શેર બજારમાં ઊંચા પ્રોફીટની લાલચમાં 85,000 ગુમાવ્યા
અનેક વખત ચેતવણી છતાં લોકો જાગૃત થતા નથી એઇમ્સનો લેબ ટેકનિશ્યન શિકાર બન્યો : સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી
રાજકોટ, : શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી વધુ એક જણા સાથે રૂા. 85,700 નું ઓનલાઇન ફ્રોડ થયાની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ પ્રકારે અગાઉ અનેક વખત ફ્રોડ થઇ ચૂક્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વારંવાર ચેતવણી છતાં આ પ્રકારે લોકો ઓનલાઇન ફ્રોડનો ભોગ બની રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ છે લાલચ.
હાલ 150 ફૂટ રિંગ રોડ પર રહેતા એઇમ્સમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર લેબ ટેકનિશ્યન તરીકે નોકરી કરતાં સાગર શંભુભાઇ સાવલીયા (ઉ.વ. 30)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એકાદ વર્ષ પહેલા તેને બ્રિજેશ જેન્તીલાલ મારવાણીયા નામધારી ગઠીયાએ કોલ કરી શેર બજારમાં ટ્રેડીંગ કરવા માટે કહેતા તેને ડીમેટ એકાઉન્ટ ટ્રેડીંગ માટે આપી દીધું હતું. જેથી બ્રિજેશ પોતાની રીતે ઓપ્શન ટ્રેડીંગ કરતા તેને 1 લાખની ખોટ ગઇ હતી.
આ વાત તેણે બ્રિજેશને જણાવતા કહ્યું કે, લોસ રિકવર કરવો હોય તો બેન્ક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવી પડશે. પરિણામે તેની ઉપર વિશ્વાસ રાખી કટકે-કટકે તેણે રૂા. 85,700 પોતાનાં બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતાં. આમ છતાં તેને કોઇ પ્રોફીટ થયો ન હતો. ફરીથી બ્રિજેશની સાથે વાત કરતાં તેણે વધુ ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી હતી. પરંતુ તેને શંકા જતાં અને ફ્રોડ થયાનું સ્પષ્ટ થતાં સીઆઈડી ક્રાઇમનાં હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે બ્રિજેશ નામધારી ગઠીયા અને જે બેંક ખાતામાં ઠગાઇની રકમ જમા થઇ હતી તેના ધારક વિરૂધ્ધ ફરિયાદ નોધી તપાસ આગળ ધપાવી છે.