Get The App

શહેરમાં આજથી CBSE સ્કૂલોની બોર્ડ પરીક્ષા,10 કેન્દ્રો ખાતે 8000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

Updated: Feb 14th, 2025


Google NewsGoogle News
શહેરમાં આજથી CBSE સ્કૂલોની બોર્ડ પરીક્ષા,10 કેન્દ્રો ખાતે 8000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 1 - image

વડોદરાઃ દેશના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ  તા.૧૫ ફેબુ્રઆરી, શનિવારથી  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સ્કૂલોમાં ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થશે.વડોદરામાં ૧૦ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૫૩ સીબીએસઈ સ્કૂલો આવેલી છે.

મળતી વિગતો પ્રમાણે પહેલી વખત તમામ પરીક્ષા કેન્દ્રોના બ્લોકમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ સીબીએસઈની બોર્ડ પરીક્ષા લેવામાં આવનાર છે.સેન્ટ્રલ બોર્ડ દ્વારા લાગુ કરાયેલા નિયમ બાદ વડોદરાના તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા હોય તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવી છે.તેની સાથે સાથે દરેક વર્ગમાં બે સુપરવાઈઝર મોનિટરિંગ કરશે.ઉપરાંત ૧૦ વર્ગ દીઠ સીસીટીવી કેમેરાને મોનિટર કરવા માટે ૧ વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત બોર્ડની પરીક્ષાની જેમ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાના ફૂટેજની સીડી પણ બનાવીને રાખવામાં આવશે અને જો સેન્ટ્રલ બોર્ડ માગે તો પરીક્ષા કેન્દ્રો દ્વારા આ સીડી પૂરી પાડવામાં આવશે.સૂત્રોએ કહ્યું હતું કે, પરીક્ષાનો પ્રારંભ સવારે ૧૦-૩૦ વાગ્યાથી થશે અને વિદ્યાર્થીઓને મોડામાં મોડી ૧૦ વાગ્યા સુધીમાં સ્કૂલમાં એન્ટ્રી લેવાની રહેશે.પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુપરવિઝન કરનારા ૩૦૦ જેટલા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.ધો.૧૦ની પરીક્ષા ૧૮ માર્ચ સુધી અને ધો.૧૨ની પરીક્ષા ૪ એપ્રિલ સુધી ચાલશે.

સેન્ટ્રલ બોર્ડ પરીક્ષાના પેપરોને બેન્કના સ્ટ્રોંગરુમમાં રાખવામાં આવે છે 

ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પેપરો મૂકવા અલાયદો સ્ટ્રોંગ રુમ બનાવવામાં આવે છે જ્યારે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા માટેના પેપરોને રાષ્ટ્રીયકૃત બેન્કના સ્ટ્રોંગરુમમા મૂકવામાં આવે છે.સૂત્રોએ કહ્યુ હતું કે, જે તે પરીક્ષા કેન્દ્રના બે કિલોમીટરની અંદરની કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેન્કને પસંદ કરીને બોર્ડને તેનું નામ મોકલવાનું હોય છે.પરીક્ષાના પેપરોને ૧૫ દિવસ પહેલા આ બેન્કના સ્ટ્રોંગરુમમાં મૂકવામાં આવે છે  અને પરીક્ષાના દિવસે સ્ટ્રોંગરુમમાં જઈને આ પેપરો લાવીને તેનું વિતરણ કરવાનું હોય છે.પેપરો લાવવાની અને વિતરણની કાર્યવાહી પર એપ દ્વારા નજર રાખવામાં આવે છે.પરીક્ષા પૂરી થયાના બે કલાકમાં ઉત્તરવહીઓને પણ તપાસવા માટે રવાના કરાય છે.

ટ્રાફિક જામ થતો હોવાથી વિદ્યાર્થીઓને વહેલા નીકળવા તાકીદ

શહેરમાં ઠેર ઠેર ગટર લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી ટ્રાફિક જામ થતો હોય છે.આ સંજોગોમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓને અને વાલીઓને પણ ઘરેથી વહેલા નીકળવા માટે તાકીદ કરી છે.જેથી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકાય.સ્કૂલોએ જો વિદ્યાર્થીઓ ટ્રાફિક જામમાં અટવાય તો પોલીસ અધિકારીઓને પણ મદદ કરવા માટે અગાઉથી વિનંતી કરેલી છએ.



Google NewsGoogle News