વણાકબોરી પાસે મહીસાગર નદીમાં બાધાની 8 હજાર ગાગરો વહેતી મૂકાઈ
- હોળી- ધૂળેટીના તહેવારો દરમિયાન ભક્તો ઉમટયા
-આંખમાં ફૂલ પડવું, હાથ- પગનો દુઃખાવો દૂર થવા માટેની માનતા પૂરી કરવા 3 હજાર શ્રીફળ પધરાવાયા
સેવાલિયા : વણાકબોરી ડેમ પાસે આવેલી મહીસાગર નદીમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લામાંથી માનતા પૂરી કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળી- ધૂળેટીના દિવસે ઉમટી પડયા હતા. અંદાજે ૮ હજાર જેટલી ગાગરો મહીસાગર નદીમાં વહેતી મૂકી લોકોએ પોતાની માનતા પૂરી કરી હતી. ૩૫ વર્ષ જૂની પરંપરા હજૂ પણ લોકોએ અકબંધ રાખી મહીસાગર નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી.
હોળી તેમજ ધૂળેટીના તહેવાર દરમિયાન શ્રદ્ધાળુઓને આંખમાં ફૂલ પડવું, હાથ પગ દુઃખવા જેવી અનેક બિમારીઓથી મુક્તિ મેળવવા માટે યથાશક્તિ એકથી પાંચ વર્ષ પવિત્ર મહીસાગર નદીમાં માટીની ગાગર (માટલી) વહેતી મૂકવાની માનતા માનતા હોય છે. હોળી- ધૂળેટીના તહેવા દરમિયાન વણાંકબોરી ડેમ પાસે મહીસાગર નદીના કાંઠે વેપારીઓ ગાગર, ચાંદીના ફૂલ, ચુંદડી તેમજ સાદા ફૂલ તથા શ્રીફળ લઈને વેપાર કરે છે. ત્યારે બે દિવસ દરમિયાન આશરે ૮૦૦૦ જેટલી ગાગરો, ત્રણ હજાર જેટલા શ્રીફળ તેમજ સંખ્યાબંધ ફૂલો મહીસાગર નદીમાં વહેતા મૂકીને ખેડા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના લોકોએ પોતાની માનતા પૂરી કરી હતી.
વેપારીઓના જણાવ્યા મૂજબ ગાગર, શ્રીફળ સહિત રૂા. ૧૦૦ની વસ્તુ ભક્ત દીઠ ખરીદી મહીસાગર નદીમાં પધરાવી પોતાની આસ્થારૂપી માનતા પૂરી કરે છે. જ્યારે અન્ય વ્યક્તિઓ પોતાની તકલીફ પૂરી કરવા બાધા લેવા માટે પણ અહીં આવે છે. ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હોળી- ધૂળેટીનો તહેવાર ઉજવવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ત્યારે પોલીસ બંદોબસ્તના લીધે બે કિલોમીટર દૂર પાર્કિંગ કરી લોકોએ મહીસાગર નદીમાં સ્નાન કરવા સાથે પોતાની બાધા પૂરી કરી હતી.