કનેરા ગામના ગોડાઉનમાંથી 45 લાખનો 800 પેટી દારૂ ઝડપાયો
- ખેડા- બારેજા રોડ ઉપર આવેલા
- પેકર્સ એન્ડ મુવર્સની આડમાં દારૂનો ધંધો ચાલતો હતો : 8 શખ્સની અટકાયત કરી ફરિયાદની તજવીજ
ગાંધીનગર સ્ટેટિંગ સેલની ટીમ દ્વારા ખેડા બારેજા રોડ પર કનેરામાં આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પેકર્સ અને મુવર્સના વ્યવસાયની આડમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી દારૂનો ધીકતો ધંધો ચાલી રહ્યો હતો. જ્યાં એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડી ૮૦૦ ઉપરાંત પેટી વિદેશી દારૂ ઝડપી પાડયો છે. આ વિદેશી દારૂની કિંમત અંદાજે ૪૫ લાખ રૂપિયા હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે.
એસએમસીની ટીમ દ્વારા અંદાજે પાંચ જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ લખાય છે ત્યારે ટીમ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કામગીરી પણ ચાલી રહી છે. જોકે આ દરોડામાં કયા બુટલેગર સામેલ છે તેની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ પોલીસે સ્થળ પરથી આઠ લોકોની અટકાયત કરી હોવાની પણ માહિતી મળી રહી છે.