મીના બજાર, સેક્ટર-૬ અને ૧૬માંથી ૮૦ ઝુંપડા, લારી-ગલ્લાઓ હટાવાયાં
જગ્યા દબાણ મુક્ત કેટલા દિવસ રહેશે તે સવાલ
પાર્ટિશન વોલથી ખુલ્લી જગ્યાને સુરક્ષિત કરાયા પછી હપ્તાખોરી રહેશે તો વોલની અંદર દબાણ ઉભા થઇ જશે
કરોડોની કિંમત ધરાવતી સેક્ટર વિસ્તારની સરકારી જગ્યા દબાણ
મુક્ત કેટલા દિવસ માટે રહેશે તે સવાલ તો ઉઠતો જ રહેવાનો છે. પરંતુ હાલમાં તો
પાટનગર યોજના વિભાગ દ્વારા તેના હસ્તકની જમીનો પરના દબાણો હટાવવા માટે કમર કસવામાં
આવી છે. વિભાગ દ્વારા ૧૪૦૦ જેટલા દબાણ ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેને ખસેડવામાં
આવનાર છે. તેના માટે ૩૦ ટીમની રચના કરવામાં આવી છે. તેમાંથી દરરોજ પાંચ ટીમ કામે
લાગવાની છે. તારીખ ૨૧મીએ સવારથી ઝુંબેશનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. આ
કામગીરી આગામી તારીખ ૨૬મી સુધી ચાલુ રાખવામાં આવનાર છે. અધિકારીઓની આગેવાનીમાં
કર્મચારીઓ દ્વારા જેસીબી અને બુલડોઝર મશીન સાથે દબાણો તોડી પાડવામાં આવ્યા તેમાં
કાચા, પાકા
દબાણોનો સમાવેશ થયો હતો. તંત્ર દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે
પોલીસ પાર્ટીને સાથે રાખવામાં આવી હતી.
રહેણાંકના દબાણકાર ગરીબો ભાડાં ભરતા હોય તેવી સ્થિતિ
પાટનગરના સેક્ટર વિસ્તારમાં વિશાળ જમીનો ખુલી પડી છે. તેમાં
દરેક સેક્ટરમાં ઝુંપડાના દબાણ,
લારી ગલ્લા અને ઢોરવાડા જોવા મળી જાય છે. સોમવારે દબાણો પર બુલડોઝર ફર્યાં
ત્યારે કેટલાક દબાણકાર પરિવારની મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા હતાં. ઘરવખરી તૂટતી
બચાવવા માટે દોડાદોડ મચાવી હતી. જોકે તંત્ર દ્વારા તેમને અગાઉથી દબાણ ખસેડી લેવાની
સુચના પણ અપાઇ હતી. સ્થિતિ એવી છે,
કે ઘણા કિસ્સામાં દબાણકારો ભાડાની જમીનનો ઉપયોગ કરતા હોય તેવું થઇ ગયું છે.
રાજકીય ઓથની ઓળખ ઉભી કરીને કેટલાક તત્વો તેમની પાસેથી નિયમિત હપ્તા વસૂલતા રહે છે.