જોડીયાના તારાણાં ધાર પાસે આવેલા ટોલનાકા પર બે કારમાં આવેલા 8 થી 10 શખ્સોની બબાલ, છરીની અણીએ મારામારી
Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ધાર પાસે આવેલા ટોલ પ્લાઝા પર જુદી જુદી બે કારમાં આવેલા 8 થી 10 શખ્સોએ હંગામો મચાવ્યો હતો, અને છરીની અણિએ ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારી ધાકધમકી આપી ભગાડી મૂક્યો હતો, જ્યારે ટોલ પ્લાઝામાં તોડફોડ કરી નાખી હતી. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના તારાણાં ગામ પાસે આવેલા ટોલનાકા પર તારીખ 14 ના પરોઢિયે આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં જુદી જુદી બે કારમાં 8 થી 10 જેટલા શખ્સો આવ્યા હતા. જેમાં એક કાળા કલરની સ્કોર્પિયો કાર હતી, જેમાં પાછળના કાળા કાચમાં રુદ્રાક્ષ લખેલું હતું, તેમજ એક સફેદ કલરની શિફ્ટ ડિઝાયર કાર હતી. જે બંને કારમાં આવેલા શખ્સોએ સૌપ્રથમ ટોલ બુથ પર બેઠેલા કર્મચારી જીગર દિલિપજી ઠાકોરને ગાળો ભાંડી છરીની અણીએ ધાક ધમકી આપી માર માર્યો હતો, અને ટોલબુથ પરથી ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ ખુરશીઓ વગેરેમાં યોદ ફોડ કરી નાખી હતી, જ્યારે ટોલના બુથનો કાચ તોડી નાખી, ત્યા લગાવેલી ટ્રાફિક લાઈટો તોડી અને અંદાજે રૂપિયા 60,000 નું નુકસાન પહોંચાડ્યું હતું, અને બંને ફોર વ્હીલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હતા.
જે સમગ્ર મામલાને જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ટોલનાકાના કર્મચારી જીગર દીલિપજી ઠાકોરે આઠથી દસ જેટલા અજાણ્યા શખ્સો સામે હંગામાને તોડફોડની ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના જુદા જુદા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાથી તેના ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટેની પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.