ધ્રાંગધ્રાના સોલડી ગામમાં બે જૂથો વચ્ચે મારામારીમાં 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
- અગાઉ કરેલા કેસના મનદુઃખમાં બંને જૂથો આમનેસામને
- હથિયારોથી બાઈક અને ઘરને નુકસાન પહોંચાડી કારને આગ લગાડી : 19 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી ગામમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં જૂથ અથડામણ તેમજ મારામારીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે અગાઉ દિકરીને ભગાડી જવાનું મનદુઃખ રાખી બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામસામે કુલ ૧૯ શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ પાસ હાથધરી છે.
ધ્રાંગધ્રાના સોલડી ગામે રહેતા ફરિયાદી રાહુલભાઈ વાલજીભાઈ પરમારના કુટુંબની દિકરીને રવિભાઈ મોહનભાઈ નામનો યુવક અંદાજે ૬-૭ મહિના પહેલા ભગાડીને લઈ ગયો હતો. જે બાબતે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. ત્યારે આ અંગેનું મનદુઃખ રાખી ૯ જેટલા શખ્સોએ તીક્ષણ હથિયારો સાથે એકસંપ થઈ ફરિયાદી રાહુલભાઈને માથામાં પથ્થરના છુટ્ટા ઘા માર્યા હતા જ્યારે અન્ય શખ્સે ભીમાભાઈને લોખંડનો પાઈપ અને પથ્થરનો ઘા માર્યો હતો. જ્યારે અન્ય શખ્સો ચિરાગભાઈ, વિશાલભાઈ સહિતનાઓને પણ મારામારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ટ્રેકટર વડે બાઈકને નુકશાન પહોંચાડયું હતું અને કારમાં પણ આગ લગાડી બારી બારણાને નુકશાન પહોંચાડયું હતું. જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ ૧૦ શખ્સો (૧) રવિભાઈ મોહનભાઈ રેવર (૨) જીગ્નેશભાઈ રાજુભાઈ રેવર (૩) પુંજાભાઈ તળશીભાઈ રેવર (૪) રાહુલભાઈ મોહનભાઈ રેવર (૫) તળશીભાઈ ધનાભાઈ રેવર (૬) ભરતભાઈ તળશીભાઈ રેવર (૭) વિપુલભાઈ બાબુભાઈ રેવર (૮) સંજયભાઈ નરશીભાઈ રેવર (૯) મોહનભાઈ બીજલભાઈ રેવર અને (૧૦) અવિનાશભાઈ ભરતભાઈ રેવર રહે.તમામ સોલડી તાલુકો ધ્રાંગધ્રાવાળા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જ્યારે સામાપક્ષે ભરતભાઈ તળશીભાઈ રેવર રહે.સોલડીવાળાએ પણ ૯ શખ્સો (૧) કાનજીભાઈ મોહનભાઈ પરમાર (૨) ભીમાભાઈ મોહનભાઈ પરમાર (૩) વિશાલભાઈ કાનજીભાઈ પરમાર (૪) ચિરાગભાઈ ભીમાભાઈ પરમાર (૫) કરશનભાઈ દાનાભાઈ પરમાર (૬) માલાભાઈ મોતીભાઈ પરમાર (૭) રાહુલભાઈ વાલજીભાઈ પરમાર (૮) રસીકભાઈ વાલાભાઈ પરમાર અને (૯) મુકેશભાઈ કરશનભાઈ પરમાર તમામ રહે.સોલડી તા.ધ્રાંગધ્રાવાળા સામે અગાઉ કરેલ કેસ બાબતનું મનદુઃખ રાખી આ તમામ શખ્સોએ લોખંડના પાઈપ, ધારીયા, લાકડી વડે ફરિયાદી સહિત પરિવારજનો પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
જ્યારે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ આ બનાવને પગલે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.