પોઈચા નજીક સુરતના 8 પ્રવાસી નર્મદામાં ડૂબ્યા, એકને બચાવાયો, સાત લોકોની શોધખોળ ચાલુ
Narmada River: નર્મદા જિલ્લાના પોઇચા ગામ પાસે સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોમાં દર્શન માટે આવેલા અમરેલીનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પરિવારના આઠ સભ્યો નર્મદા નદીમાં નાહવા ગયા હતા. ત્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાંથી સ્થાનિકોએ એકને ડૂબતા બચાવ્યો હતો. જ્યારે 7 લાપતાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પોઈચા હોનારતમાં નર્મદા નદીમાં ગરકાવ થયેલ હતભાગી
1. ભરતભાઈ મેઘાભાઈ બલદાણિયા (45 વર્ષ)
2. આરનવ ભરતભાઈ બલદાણિયા (12 વર્ષ)
3. મૈત્ર્ય ભરતભાઈ બલદાણિયા (15 વર્ષ)
4. વ્રજ હિંતમભાઈ બલદાણિયા (11 વર્ષ)
5. આર્યન રાજુભાઈ ઝીંઝાળા (7 વર્ષ)
6. ભાર્ગવ અશોકભાઈ હડિયા (15 વર્ષ)
7. ભાવેશ વલ્લભભાઈ હડિયા (15 વર્ષ)
તમામ રહે. ક્રિષ્ના પાર્ક સોસાયટી, સણિયા હેમાદ સુરત
પરિવારના સાત સભ્યોની શોધખોળ શરૂ કરાઈ
મૂળ અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઇચા ગામે સ્વામીનારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા. ત્યારે પોઇચા નજીક નર્મદા નદીમાં પરિવાર નાહવા ઉતર્યા હતા. આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા.આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો. જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. હાલ નર્મદા નદીમાં લાપતા થયેલા સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવૈયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે.