લગ્ન પ્રસંગમાં PI ઉપર હુમલો કરી 8 શખ્સો બુટલેગરને છોડાવી ગયા
જૂનાગઢ તાલુકાના પાદરિયા ગામે ફાર્મહાઉસની ઘટના : માખીયાળા પાસેથી 10.11 લાખના દારૂના કેસમાં બુટલેગર લખન ચાવડાને ઝડપી લીધા બાદ PI સાથે હુમલાખોરોની ઝપાઝપી : લગ્નપ્રસંગમાં ભાગદોડ
જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના પાદરીયા નજીક લગ્ન પ્રસંગમાં ફરાર બુટલેગર આવ્યાની જાણ થતા સી ડીવીઝન પી.આઈ. સહિતનો સ્ટાફ ત્યાં ગયો હતો. જ્યાં પી.આઈ.એ બુટલેગરને પકડી લીધો હતો પરંતુ અન્ય આઠેક શખ્સોએ આવી પી.આઈ. સાથે ઝપાઝપી કરી પાટા મારી પછાડી દઈ હાથમાં ઇજા કરી હતી અને બુટલેગરને ભગાડી દીધો હતો. આ અંગે જાણ થતાં પોલીસ કાફલો ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યો હતો અને લગ્નમાં ભાગદોડ થઈ ગઈ હતી. પોલીસે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી ફરાર બુટલેગર સહિતના શખ્સોને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ થોડા સમય પહેલા માખીયાળા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી 10.11 લાખનો દારૂ પકડયો હતો. જેમાં લખન મેરૂ ચાવડા નામના બુટલેગર સામે ગુનો દાખલ થયો હતો. આ અંગેની તપાસ સી ડીવીઝનના પી.આઈ. વી.જે. સાવજને સોંપવામાં આવી હતી.
ગઈકાલે રાત્રે પાદરીયા નજીક આવેલા દ્વારકાધીશ ફાર્મ હાઉસ ખાતે હુણ પરિવારના લગ્ન પ્રસંગમાં લખન મેરૂ ચાવડા આવ્યો હોવાની પી.આઇ. વી.જે. સાવજને બાતમી મળી હતી. આથી પોલીસ સહિતનો સ્ટાફ દ્વારકાધીશ ફાર્મ પર પહોંચ્યો હતો.
લગ્નમાં લોકોની ભીડનો લાભ લઇ લખન ચાવડા નાસી ન જાય એ માટે ફાર્મના પાછળના ભાગે હેડ કોન્સ્ટેબલ પી.જે. વાળા અને દિનેશભાઇ જીલડીયાને ત્યાં મોકલ્યા હતા તેમજ સંજયસિંહ ચૌહાણ અને મનીષભાઈ હુંબલને સ્ટેજની ડાબી બાજુ મોકલ્યા હતા. પી.આઈ. વી. જે. સાવજ અને કોન્સ્ટેબલ દિલીપભાઇ ડાંગર સ્ટેજની પાછળ જતા ત્યાં લખન મેરૂ ચાવડા જોવા મળ્યો પોલીસને જોઈને તે ભાગવા લાગ્યો હતો. પી.આઈ. વી.જે. સાવજે તેની પાછળ દોડી ફાર્મની બહારથી લખન ચાવડાને પકડી લીધો હતો. ભાગી જવા તેણે પી.આઈ. સાથે ઝપાઝપી કરી હતી. આ દરમ્યાન અન્ય આઠેક શખ્સ આવી ગયા હતા. આ શખ્સોએ પી.આઈ.ને લખન ચાવડાને લગ્નમાંથી લઈ જવા નહિ દઇએ એમ કહી લખનને છોડાવવા પી.આઈ. સાથે ઝપાઝપી કરી પાટા મારતા પી.આઈ. પડી ગયા હતા અને તેને જમણા હાથની આંગળીમાં ઇજા થઇ હતી અને આઠેય શખ્સ પી.આઈ.એ પકડેલા લખન મેરૂ ચાવડાને ભગાડી ગયા હતા.
પી.આઈ.એ અન્ય સ્ટાફને ત્યાં બોલાવ્યો ત્યાં સુધીમાં આઠેય શખ્સ લખનને લઈ જતા રહ્યા હતા. પી.આઈ.એ આ અંગે ઉપરી અધિકારીને જાણ કરતા પોલીસ કાફલો ફાર્મ હાઉસ પર પહોંચ્યો હતો અને લગ્નપ્રસંગમાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્ત પી.આઈ. વી.જે. સાવજને સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ડિસ્ચાર્જ થયા હતા. આ અંગે પી.આઈ. વી.જે. સાવજે લખન મેરૂ ચાવડા સહિત નવ શખ્સો સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે હુમલો તેમજ રાયોટીંગ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી એક કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગરને બચાવવા ભાજપના અમુક નેતાઓના પ્રયાસ નિરર્થક રહ્યા
લગ્ન પ્રસંગમાંથી પોલીસે બુટલેગરને પકડયા બાદ આઠ શખ્સો છોડાવી ગયા હતા. આ ઘટના બાદ ભાજપના અમુક નેતાઓએ પોલીસને ભલામણ કરાવવા અને દબાણ લાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ પોલીસ અધિકારી પર હુમલો થયો હોવાથી પોલીસે આ પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા હતા અને ગુનો દાખલ કર્યો હતો.