૮ લાખના ચેક રિટર્ન થતા આઠ વર્ષની કેદની સજા
આરોપીએ એડવર્ટાઇઝીંગ એજન્સીના સંચાલકને ૧૬ લાખ ચૂકવી આપવાનો હુકમ
વડોદરા,એડવર્ટાઇઝીંગ એજન્સીના સંચાલકને આપેલા આઠ લાખના ચેક રિટર્ન થતા આરોપીને આઠ વર્ષની કેદ તથા ૧૬ લાખ ચૂકવી આપવા માટે કોર્ટે હુકમ કર્યો છે.
સયાજીગંજ મુક્તિધામ સોસાયટીમાં રહેતા આદિત્ય રાજેશભાઇ શાહ મોનાલી એડવર્ટાઇઝીંગ એજન્સી ચલાવે છે. કોર્ટમાં તેમણે અંશુલ અશોકભાઇ જૈન (રહે.ચંદ્રગુપ્ત કોમ્પલેક્સ, હરણી રોડ) સામે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ફરિયાદ કર્યાના ત્રણ વર્ષ પહેલા અંશુલ મારા સંપર્કમાં આવ્યો હતો. તેણે એક મહિનામાં પરત કરવાની શરતે ૧૨ લાખ રૃપિયા અમારી પાસે માંગતા અમે આર.ટી.જી.એસ.થી રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. એક મહિના પછી રૃપિયાની પરત માંગણી કરતા એક લાખના ૧૨ ચેક આપ્યા હતા. જે પૈકી ત્રણ ચેક ક્લિયર થઇ ગયા હતા. જ્યારે એક ચેક ખોવાઇ ગયો હતો. જ્યારે આઠ ચેક સ્ટોપ પેમેન્ટના કારણે રિટર્ન થયા હતા. દરેક ચેક અંગે અલગ - અલગ આઠ ફરિયાદ થઇ હતી. તમામ આઠ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને પ્રત્યેક કેસમાં એક વર્ષની કેદ તથા ચેકની રકમની બમણી રકમ એટલેકે, બે લાખ રૃપિયા ૩૦ દિવસમાં ચૂકવી આપવા માટેનો હુકમ કર્યો છે.