ભવનાથના મહંત બનવા ભાજપ, અધિકારી અને સાધુ-સંતોને 8 કરોડ અપાયા હતા!, દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર
અખાડાનો કથિત પત્ર જાહેર: પાર્ટી ફંડમાં 5 કરોડ, બે કલેક્ટરને 50-50 લાખ અને ભવનાથના સાધુઓને પણ લાખો રૂપિયા વેર્યાનો કથિત પત્રમાં ઉલ્લેખ
Junagadh Ambaji Temple Controversy : અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે અંગેના ગંભીર આક્ષેપ થતાં સનસનાટી મચી ગઈ છે. ભૂતનાથના મહંત મહેશગિરીએ શ્રી પંચ દશનામ જૂના અખાડાનો પત્ર જાહેર કરી ભવનાથના મહંત હરિગિરી પર ગંભીર આરોપ લગાવ્યો છે. અખાડામાંથી હરિગિરીએ રકમ લઈ ભાજપ પાર્ટી ફંડમાં તથા બે કલેક્ટર, ભવનાથના સાધુ-સંતોને મળી કુલ 8 કરોડ રૂપિયા આપ્યા હોવાનું દર્શાવતો કથિત પત્ર તેમણે રજૂ કર્યો છે.
અખાડા પરિષદના મહામંત્રી અને જુના અખાડાના સંરક્ષક તથા ભવનાથના મહંત હરિગિરીની સહીવાળો શ્રી પંચ દશનામ જુના અખાડાનો પત્ર ભૂતનાથના મહંત મહેશગિરીએ જાહેર કર્યો છે. પત્રમાં કથિતપણે હરિગિરીના લખ્યા મુજબ, 'મહંત હરિગિરી ગુરૂ દત્તાત્રેગિરી ભવનાથ મંદિરને અખાડામાં સામેલ કરવા માટે હરિગિરીના નામ જોગ કલેક્ટર અને મહમંડલેશ્વર ભારતી બાપુ, ઈન્દ્રભારથી, મહાદેવગિરી, મુક્તાનંદગિરી સહિતનાઓએ મળી ભવનાથ મંદિરનો કબજો ભોગવટો મને સોંપવા માટે સહયોગ આપ્યો છે તે માટે મારા પાસે રહેલા નાણાંમાંથી તમામને આપ્યા છે. મારો કાયમી હુકમ કલેક્ટર કરી દેશે ત્યારે ભવનાથ મંદિર મારી માલિકીનું થઈ જશે.'
આ પણ વાંચો: અંબાજી મંદિરની ગાદી માટે મહા વિવાદ: બ્રહ્મલીન મહંતના ટ્રસ્ટના કાગળો ચેરિટી કમિશનરમાંથી મંગાવી તપાસ
સાધુઓના વિવાદે અનેક રહસ્યો ખુલ્લા પાડયા છે. રાજકારણીઓને પણ શરમાવે તેવા કૃત્યો અને કાંડ સામે આવતા વધુ એકવાર ધર્મને લાંછન લાગે તેવી ઘટના બની રહી છે. ભૂતનાથના મહંત મહેશગિરીએ આક્ષેપ કર્યો છે કે, ભવનાથ મહંત હરિગિરી ટોચના નેતાના નામે તંત્ર અને લોકોને દબાવી રહ્યા છે, જો તેઓ ભવનાથ અને ગિરનાર નહી છોડે તો હજુ તેના એક-એક કરતુત જાહેર કરી દઈશ, અખાડાઓમાંથી પૈસાની હેરાફેરી કરી છે, આવી રીતે સાધુ-સંતો, તંત્રને ભડકાવ્યા છે, ધર્મને નુકસાન કર્યું છે અને અખાડાની આબરૂને બટ્ટો લગાડયો છે. આમ, ભવનાથના મહંત બનવા માટે ભાજપ, સાધુ-સંતોને નાણાં આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઈ છે.
કોને-કોને કેટલા પૈસા આપવામાં આવ્યા
પત્રમાં ઉલ્લેખ મુજબ ભાજપના રાષ્ટ્રીય ફંડમાં પાંચ કરોડ આપવામાં આવ્યા છે. જૂનાગઢના બે કલેક્ટરોને મહામંડલેશ્વર ભારતીબાપુને 50-50 લાખ રૂપિયા, ઈન્દ્રભારથી, સિદ્ધેશ્વરગિરી, મહાદેવગિરી, મુક્તાનંદગિરી કમંડલકુંડ, જયશ્રીગિરીને 25-25 લાખ, શિવધુણાવાળા મહંત, સેવાદેવી પુનિતાચાર્યને 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.
મુદ્દત પુરી થાય તેના ચાર માસ પહેલાં થયો શંકાસ્પદ ઓર્ડર
ભવનાથના મહંત તરીકેનો ઓર્ડર કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ ઓર્ડર કરવાની ભૂમિકા પણ શંકાસ્પદ રહેલી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જૂનાગઢના તત્કાલીન કલેક્ટર રચીત રાજ દ્વારા ભવનાથ મહંત હરિગિરીની મુદ્દત પુરી થતી હતી તેના ચાર માસ પહેલા તેમને ફરી મહંત તરીકે વર્ષ 2025 સુધીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે મહંતની મુદ્દત પુરી થતી હોય તેવા કિસ્સામાં પંદેરેક દિવસ અગાઉ નિર્ણય થતો હોય છે. તત્કાલીન કલેક્ટર દ્વારા ચાર માસ અગાઉ જે ઓર્ડર કરવામાં આવ્યો તે શા માટે થયો? તે મહત્વનું છે. કલેક્ટરે ઓર્ડર કરી દીધા બાદ તેની બદલી થઈ ગઈ હતી. પોતાની બદલી પહેલા ભવનાથના મહંતનો રિન્યુઅલ ઓર્ડર અને એ પણ અગાઉ શંકાસ્પદ ભૂમિકા છે.