Get The App

સુરતના BRTS રૂટમાં ખાનગી વાહનનું ટાયર ફાટી જતાં 8 જેટલી બસોનો ખડકલો, પાલિકા અને પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
સુરતના BRTS રૂટમાં ખાનગી વાહનનું ટાયર ફાટી જતાં 8 જેટલી બસોનો ખડકલો, પાલિકા અને પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ 1 - image


Surat News : સુરત શહેરના બીઆરટીએસ રૂટમાં ફરી એકવાર ખાનગી વાહનને કારણે પાલિકાની બસ સેવા પર ગંભીર અસર પડી હતી. ઉધના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો ઘુસી ગયાં હતા જેમાંથી એક વાહનનું ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટી જતાં વાહન અટકી ગયું હતી તેની પાછળ મુસાફરો ભરેલી બસની લાંબી લાઈન લાગી ગઈ હતી. પાલિકા અને પોલીસની નબળી કામગીરીને કારણે આજે બસના મુસાફરો અટવાયા હતા. 

સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો અટકાવવા માટે 4 કરોડથી વધુના ખર્ચે મુકાયેલા સ્વિંગ ગેટ હવે શોભાના ગાંઠીયા બની ગયા છે. મોટેભાગના સ્વિંગ ગેટ ચાલતા નથી કોન્ટ્રાક્ટર અને પાલિકા વચ્ચેની લડાઈમાં સ્વિંગ ગેટ બંધ છે. જેને કારણે પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દૂષણ સતત વધી રહ્યું છે. 

આજે સુરત ઉધના રોડ પર બીઆરટીએસ રૂટમાં ગુરુદ્વારા નજીક કેટલાક ખાનગી વાહનો ઘૂસી ગયા હતા. જેમાંથી એક કારનું ટાયર ફાટી ગયું હતું. તેમ છતાં પણ વાહન બાજુએ હટાવી રીપેર કરવાના બદલે બીઆરટીએસ રૂટમાં જ વાહનનું ટાયર બદલવાની કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે આ રૂટમાં આવતી 8 જેટલી બસ પણ ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત અન્ય ખાનગી વાહનો પણ રૂટમાં જામ થઈ ગયા હતા. લાંબો સમય સુધી મુસાફરો ભરેલી બસ ઉભી રહી જતા મુસાફરો ઉતરી ગયા હતા. અને રેલીંગ કુદીને રસ્તા પર આવીને અન્ય વાહનોમાં પોતાના સ્થળે ગયાં હતા. ખાનગી વાહનોના કારણે સેંકડો મુસાફરો અટવાતા લોકોમાં પાલિકા અને પોલીસની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. 

ખાનગી વાહનોને કારણે બીઆરટીએસ રૂટમાં કાયમ સમસ્યા થાય છે. પરંતુ પાલિકા કે પોલીસ તંત્ર આ સમસ્યાનો હલ કરતું નથી જેને કારણે પાલિકાની બસ સેવા પર ગંભીર અસર થઈ રહી છે. પાલિકા અને પોલીસ હજી પણ ન જાગે તો બીઆરટીએસ રૂટમાં ગંભીર અકસ્માત થવાની શક્યતા નકારી શકાતી નથી.


Google NewsGoogle News