જૂનાગઢમાં અંધાધૂંધીનો અંતિમ દિવસ: 78 વર્ષ પહેલાં આજના દિવસે ભુટ્ટોએ આરઝી હુકુમતનાં શરણે થવા નિર્ણય લીધો હતો
Junagadh History : આરઝી હકૂમતનો અર્થ થાય છે સમાંતર રાજકીય તંત્ર કે સરકાર. સૌરાષ્ટ્રનાં 222 રજવાડાંઓમાં જૂનાગઢ સૌથી મોટું રાજ્ય હતું. તેની 81 ટકા જેટલી વસ્તી હિંદુ હતી. જૂનાગઢની આજુબાજુના નાના- મોટા રજવાડાઓએ ભારતીય સંઘ સાથે જોડાવાના કરાર કર્યા છતાં જૂનાગઢના નવાબ મહાબતખાન ત્રીજાએ 15 ઓગસ્ટ, 1947ના રોજ પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. મુસ્લિમ લીગના પ્રભાવને કારણે સૌરાષ્ટ્રના રાજકીય-સામાજિક માળખા પર હાનિકારક અસર પડી. પાકિસ્તાનના જનક મોહંમદઅલી ઝીણાના સમર્થક અને એક સમયના મુસ્લિમ લીગના આગેવાન દીવાન શાહનવાઝ ભુટ્ટો આગળ નવાબ લાચાર બન્યા.
નવાબની ઘોષણાથી સ્થાનિક લોકો અને સંસ્થાઓએ આઘાત અનુભવ્યો અને હજારો લોકો રાજ્યમાંથી અન્યત્ર હિજરત કરી ગયા. ઉછરંગરાય ઢેબર અને ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ વી.પી. મેનન નવાબને સમજાવવા જૂનાગઢ ગયા પરંતુ તેમને બાનમાં રખાયેલા નવાબને મળવા દેવાયા ન હતા.
દેશવિદેશમાં વસતા ગુજરાતીઓ, સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યો, કાઠિયાવાડ રાજકીય પરિષદ, અખિલ હિંદ દેશી રાજ્ય પ્રજામંડળ વગેરેએ જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણને વખોડી કાઢયું. આવી સ્ફોટક પરિસ્થિતિમાં કાઠિયાવાડ- મુંબઈના પાયાના કાર્યકરો અને આગેવાનોએ ગંભીર વિચારણા કરીને સુભાષચંદ્ર બોઝની 'આઝાદ હિંદ સરકાર'માંથી પ્રેરણા લઈ તથા સરદાર વલ્લભભાઈ પટેલના છૂપા આશીર્વાદ મેળવી મુંબઈમાં 25 સપ્ટેમ્બર, 1947ના રોજ મહાત્મા ગાંધીના ભત્રીજા અને 'વંદેમાતરમ્' દૈનિકના તંત્રી શામળદાસ ગાંધીના નેતૃત્ત્વમાં જૂનાગઢની 'આરઝી હકૂમત' નામની સમાંતર સરકાર સ્થાપી. 'આરઝી હકૂમત'નેજ જૂનાગઢની સાચી સરકાર ઘોષીત કરવામાં આવી. 'આરઝી હકૂમત'નો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડયો હતો.
આ પણ વાંચો: 1300 લોકોનાં મોત, સૌરાષ્ટ્રમાં ટાઈટેનિકની જેમ 'વીજળી' બોટની જળસમાધિને 136 વર્ષ પૂરાં
આરઝી હકૂમતની સ્થાપનાના એક દિવસ અગાઉ 24 સપ્ટેમ્બરે દિલ્લીની પ્રાર્થનાસભામાં મહાત્મા ગાંધીજી એલાન કરેલું કે, 'જૂનાગઢ સે પાકિસ્તાન જાના ચાહિયે.' 24 ઓક્ટોબર, દશેરાના દિવસે લોકસેનાએ જૂનાગઢ રાજ્ય ઉપર આક્રમણ કરીને તેનાં 11 ગામ જીતી લેતાં જૂનાગઢના નવાબ ગભરાઈને પોતાના કુટુંબ સાથે વિમાનમાર્ગે કેશોદથી કરાંચી નાસી ગયા. પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની મદદ આવી નહિ. બીજી બાજુ લોકસેનાએ માત્ર 18 દિવસમાં 106 જેટલાં ગામ જીતી લેતાં અને મુસ્લિમ લીગ તરફી દીવાન શાહનવાઝ ભુટ્ટોએ આરઝી હકૂમતને શરણે આવ્યા વિના છુટકો ન હતો.
ઈતિહાસકાર રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, દીવાન શાહનવાઝ ભુટ્ટોના આદેશથી 8 નવેમ્બર, 1947ના રોજ 'ટેલિગ્રાફ' વંથલી, કેશોદ, વિસાવદર, વેરાવળ, માળિયા અને તાલાલાના સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી કે, જૂનાગઢ રાજ્યના મુસ્લિમ નેતાઓની એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ બેઠક દીવાનના 'અમન મહેલ'માં સાંજે 6 વાગે બોલાવી છે, આ અંગેની વ્યવસ્થા કરો અને જો તેઓનું ટ્રેનથી આવવાનું શક્ય ન હોય તો તેઓ મોટરકાર દ્વારા મોકલવામાં આવે. તાકીદના તારમાં કોડ વર્ડ- aaa વાપરવામાં આવ્યો હતો. અન્ય કાગળોમાં જૂનાગઢ રાજ્યના મુસ્લિમ અધિકારીઓની હાજર રહેવા અંગે સહીઓ લેવામાં આવી હતી. આ નિર્ણાયક બેઠક હતી.
કેપ્ટન હાર્વેજોન્સ દીવાન શાહનવાઝ ભુટ્ટોનો પત્ર લઈને શામળદાસ ગાંધીને મળવા પહોંચ્યા. લાંબી વાટાઘાટો થઈ, ભારત સરકારને જૂનાગઢનો વહીવટ સંભાળી લેવા લેખિત વિનંતી કરી. ૯ નવેમ્બરે ભારત સરકારના પ્રાદેશિક કમિશનર નીલમ બૂચે સેના સાથે સાંજે જૂનાગઢ પહોંચી જઈ તેનો કબજો સંભાળ્યો હતો ત્યારે કેપ્ટન હાર્વેજોન્સે સ્વાગત કર્યું હતું. જનતાએ વિજય કૂચને 'જય હિંદ' 'હિંદી સંઘ ઝિંદાબાદ'ના જયઘોષ સાથે આવકાર્યું હતું. જૂનાગઢની આરઝી હકૂમત મુક્તિ ચળવળનો સફળ થયેલો પ્રયોગ હતો. જૂનાગઢ રાજ્યના લોકોની મુક્તિ માટેનું એક પ્રકારનું જનઆંદોલન જ હતું.
જૂનાગઢ વિજયના બરાબર 4 દિવસ બાદ જ હિંદના સરદાર વલ્લભભાઈ પટેલની 13 નવેમ્બરે પધરામણી થઈ. ભવ્ય સ્વાગત થયું અને બહાઉદ્દીન કોલેજનાં પ્રાંગણમાં એકાદ લાખ લોકોને સરદારે પોતાની ધીર ગંભીર વાણીમાં એક કલાક સુધી સંબોધન કર્યું. સરદારની સભામાં જ લોકમત લેવાયો હતો. સરદારે આહ્વાન કર્યું, 'જેને હિંદ સંઘમાં જોડાવું હોય તે હાથ ઉંચા કરે... તરત જ બધા હાથ ઉંચા થયા. હવે જેમને પાકિસ્તાન સાથે જોડાવું હોય તે હાથ ઉંચા કરે. ત્યારે એક પણ હાથ ઉઠયો ન હતો.
ભારતની તરફેણમાં 1.90 લાખ અને પાક. તરફે માત્ર 91 મત પડયા હતા
20 ફેબ્રુઆરી, 1948ના રોજ જૂનાગઢમાં લોકમત લેવાતાં 1,90,779 લોકોએ ભારતમાં ભળવા માટે અને માત્ર 91 વ્યક્તિઓએ પાકિસ્તાનમાં ભળવા માટે મતદાન કર્યું હતું. પછીથી જાન્યુઆરી, 1949માં જૂનાગઢ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભળી જતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું એકીકરણ પૂર્ણ થયું.
નિવેદન પત્ર પહોંચે તે પૂર્વે ભુટ્ટો સહિતનાઓ પાક નાસી ગયા હતા
બેઠકમાં જૂનાગઢ આરઝી હકૂમતને શરણે થવાનું સ્વીકાર્યું હતું અને તે અંગેનું પ્રજાજોગ નિવેદન દીવાન શાહનવાઝ ભુટ્ટોની સહીથી બહાર પાડવામાં આવ્યું હતું. આ પત્ર પહોંચે તે પૂર્વે જ દીવાન શાહનવાઝ ભુટ્ટો સહિત મોટાભાગના મુસ્લિમ લીગ તરફી આગેવાનો પાકિસ્તાન નાસી ગયા હતા.