Get The App

શ્રાવણમાં ગુજરાતના 76 ડેમ છલકાયા, 46 ડેમ 70થી 100% જેટલાં ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
શ્રાવણમાં ગુજરાતના 76 ડેમ છલકાયા, 46 ડેમ 70થી 100% જેટલાં ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર 1 - image


Gujarat Rain And Weather Updates | ગુજરાતમાં ચોમાસાનો શ્રાવણ મહિનો પાણીનો સંગ્રહ કરતાં જળાશયો માટે ફળદાયી નિવડ્યો છે, જે અનુસાર રાજ્યના 207 જળાશયોમાં ક્ષમતા સામે 78 ટકા જળસંગ્રહ થયો છે. જો કે હજી 31 જળાશયોમાં માત્ર 25 ટકા પાણીની આવક થઇ છે. રાજ્યમાં વરસાદની મહેરના કારણે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસથી નોંધપાત્ર પાણીની આવક થઈ છે. ડીપ ડિપ્રેશનના કારણે વરસી રહેલા સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે ૪૬ જળાશયો 70 થી 100 ટકા ભરાતાં હાઈ એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય રાજ્યના 23 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. 30માં 25થી 50 ટકા વચ્ચે પાણી ભરાયું છે તેમજ 31 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. સરદાર

સરોવર નર્મદા યોજનામાં હાલમાં 290547 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 87 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયોમાં 407440 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 72.73 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 78 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

જળ સંપત્તિ વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે કે સરદાર સરોવર યોજનામાં 3.38 લાખ ક્યુસેક પાણીની આવક સામે 3.85 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે વણાકબોરી જળાશયમાં 2.87 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.87 લાખની જાવક છે. એવી જ રીતે ઉકાઈમાં 2.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.46  લાખની જાવક, આજી-4માં 1.63 લાખ ક્યુસેક સામે 1.63 લાખની જાવક, કડાણામાં 1.50 લાખ ક્યુસેક પાણી સામે 1.25 લાખની જાવક તેમજ ઉંડ-1માં 1.19 લાખ ક્યુસેક સામે 1.19 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. 

આ ઉપરાંત અન્ય 94 જળાશયોમાં 70000 થી 100000 ક્યુસેક સુધીના પાણીની આવક થઈ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 87 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 78 ટકા, સૌરાષ્ટ્રના 141માં 66 ટકા, કચ્છના 20માં 61 ટકા જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. ગયા વર્ષે આ સમયે 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.

શ્રાવણમાં ગુજરાતના 76 ડેમ છલકાયા, 46 ડેમ 70થી 100% જેટલાં ભરાઈ જતાં હાઈએલર્ટ જાહેર 2 - image


Google NewsGoogle News