રાજકોટમાં લોંગ ટર્મ વિઝા ઉપર 752 પાકિસ્તાની નાગરિકો રહે છે
શોર્ટ ટર્મ વિઝા ઉપર આવેલો પાકિસ્તાની નાગરિક રવાના 752 પાકિસ્તાની નાગરિકોમાંથી 738 હિન્દુઓ : એક બાંગ્લાદેશી નાગરિક પણ લોંગ ટર્મ વિઝા ઉપર રહે છે
રાજકોટ, : કાશ્મીરના પહેલગામમાં ત્રાસવાદી હૂમલા પછી કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા માટે આદેશ કર્યા હતા. જેના પગલે અટારી-વાઘા બોર્ડર પરથી પાકિસ્તાની નાગરિકો ભારત છોડી રહ્યા છે. રાજકોટમાં પણ એક પાકિસ્તાની નાગરિક હતો. જે ગઈકાલે રવાના થઈ ગયો હતો.
સ્થાનિક પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં હાલમાં લોંગ ટર્મ વિઝા ઉપર 752 પાકિસ્તાની નાગરિકો રહે છે. જેમાંથી 738 હિન્દુઓ છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો સ્ટુડન્ટ વિઝા, નોકરી અને લગ્ન સહિતના કારણોસર આવેલા છે.
શોર્ટ ટર્મ વિઝા ઉપર આવેલા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોંગ ટર્મ વિઝા પર આવેલા નાગરિકો માટે હજૂ સુધી કોઈ આદેશ થયો નથી. રાજકોટમાં એક બાંગ્લાદેશી નાગરિક પણ લોંગ ટર્મ વિઝા ઉપર રહે છે. પહેલગામના ત્રાસવાદી હૂમલા પછી દેશભરમાં ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધીને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેના પગલે રાજકોટ પોલીસ પણ છેલ્લા ઘણા દિવસોથી ગેરકાયદે રહેતાં બાંગ્લાદેશી નાગરિકોને શોધી રહી છે. અત્યાર સુધીમાં આવા 13 બાંગ્લાદેશી નાગરિકો શોધી કાઢવામાં આવ્યા છે. આમ છતાં વધુ કોઈ બાંગ્લાદેશી નાગરિકો રાજકોટમાં રહી રહ્યા છે કે કેમ તે અંગે એસઓજી અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.