આઝાદીના 75 વર્ષ પછી પણ 104 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીની લડત ચાલુ

104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની જેમણે 'ભારત છોડો'ના નારા લગાવીને બ્રિટિશ રાજ સામે નિર્ભયતાથી લડત આપી

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
આઝાદીના 75 વર્ષ પછી પણ 104 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીની લડત ચાલુ 1 - image


Freedom Fighters of India: આજે દેશભરમાં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ આનંદની ઉજવણીની પાછળ એક કરુણ વાસ્તવિકતા છુપાયેલી છે. ભારતની આઝાદીની લડાઈમાં અસંખ્ય લોકોનું યોગદાન છે, અનેક લડવૈયાઓએ આ લડાઈ માટે પોતાનો જીવ પણ આપી દીધો હતો. ભારતને આઝાદી અપાવવા માટે જેમણે તનતોડ મહેનત કરી છે એ સ્વતંત્રતા સેનાનીની સ્થિતિ આજે દયનીય છે.

ગુજરાતના 104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ જેમણે 'ભારત છોડો'ના નારા લગાવીને બ્રિટિશ રાજ સામે નિર્ભયતાથી લડત આપી હતી, પરંતુ આજે તેમને જીવન ટકાવી રાખવા માટે આપવામાં આવતા રૂપિયા 5,000ના નજીવું સરકારી પેન્શન પર સવાલ ઉઠાવ્યા છે. આ પેન્શન દેશની આઝાદી માટે લડનારા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ માનવામાં આવે છે. જે ખૂબ જ નજીવું છે.

આણંદ જિલ્લાના ભાદરણમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે તેમના ભૂતકાળની બહાદુરીથી તદ્દન વિપરીત છે. શાંતાબેન પટેલે 1942માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને પુણેની યરવડા જેલમાં પણ સમય વિતાવ્યો હતો. 1938માં હરિપુરા અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે શાંતાબેન હાજર હતા. જ્યારે બોઝની કાર પર કોઈ ત્રિરંગાનો ધ્વજ ન દેખાયો ત્યારે શાંતાબેને સુભાષ ચંદ્ર બોઝની કાર રોકીને રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો.

શાંતાબેન પટેલેને બે બહેનો અને એક ભાઈ છે. બંને બહેનોના અવસાન બાદ તેમના ભાઈ પોતાના પરિવાર સાથે વિદેશ જતા રહેતા શાંતાબેન એકલા પડી ગયા. 104 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શાંતાબેન પટેલ કહે છે કે, 'વૃદ્ધાવસ્થાને કારણે મારે સ્થાનિક પગારદાર કેર ટેકરની જરૂર છે. હું પરિવારમાં એકલી છું અને મને જીવવા માટે સરકાર તરફથી જે સ્વાતંત્ર્ય સેનાની પેન્શન મળે છે, તે ખૂબ જ ઓછું છે અને તેનાથી જીવનનિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું છે.' ગુજરાત સરકાર સ્વાતંત્ર્ય સેનાની પેન્શન યોજના ચલાવી રહી છે, જેમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના આશ્રિતોને તમામ ભથ્થાં સહિત રાજ્ય સરકારની યોજના હેઠળ રૂપિયા પાંચ હજાર પ્રતિ માસ આપવામાં આવે છે.

આઝાદીના 75 વર્ષ પછી પણ 104 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીની લડત ચાલુ 2 - image

શાંતાબેન પટેલે 2022માં રાજ્ય સરકાર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને જિલ્લા કલેક્ટર તેમના ઘરે પહોંચ્યા હતા. ભાદરણના આગેવાન કેતનભાઈ સોની જણાવ્યું હતું કે, 'શાંતાબેન પટેલ સ્વાતંત્ર્ય સેનાની છે જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું અને સ્વતંત્રતાના શપથ લઈને એકલા ઊભા રહ્યા હતા. શાંતાબેને સામાજિક હેતુ માટે પંચાયતને પોતાનું ઘર દાન કરવાની જાહેરાત પણ કરી છે. છેલ્લા કેટલાક સમયથી શાંતાબેન પેન્શનની રકમમાં વધારો કરવાની માગ કરી રહ્યા છે. તેઓ લોકશાહીની શક્તિમાં વિશ્વાસ રાખે છે અને વધુ માસિક પેન્શન મળે તો આગળનું ગુજરાન ચલાવી શકે.'

આઝાદીના 75 વર્ષ પછી પણ 104 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીની લડત ચાલુ 3 - image

જ્યારે સ્વતંત્રતા ચળવળની વાત આવે છે ત્યારે ભાદરણ ગામ આગવું સ્થાન ધરાવે છે. ગામની દીવાલો પર બ્રિટિશ શાસન સામે 'ભારત છોડો' ચળવળના ઐતિહાસિક નારાઓ હજુ પણ જોવા મળે છે. દીવાલોમાં લખ્યું છે, 'ભારત છોડો આંદોલન, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને તે હું લઈને જ જંપીશ.' દીવાલો પર લખેલા સૂત્રો ભારતની આઝાદીની લડાઈની યાદ અપાવે છે. ગામના લોકો આ ઐતિહાસિક નિશાનોની સુરક્ષા કરી રહ્યા છે.


Google NewsGoogle News