ભુજ કચ્છથી ટ્રકમાં 75 જેટલા પશુઓને ભરીને કતલખાને લઈ જવાનું કૌભાંડ જોડીયામાં ઝડપાયું : ટ્રક ચાલક ફરાર, ક્લિનરની અટકાયત
Jamnagar : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાંથી ગેરકાયદે રીતે પશુઓને ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવાનું કારસ્તાન પકડાયું છે. રાજકોટ અને મોરબીના ગૌરક્ષકોની ફરિયાદના આધારે જોડિયા પોલીસે એક પશુ ભરેલા ટ્રકને કબજે કરી લીધો છે, અને તેમાં ખીચોખીચ ભરેલા 75 પશુઓને મુક્ત કરાવી રાજકોટની પાંજરાપોળમાં મોકલી આપ્યા છે, જ્યારે ટ્રક તેમજ ટ્રકના ક્લીનરની અટકાયત કરી છે. તેમજ તેનો ચાલક ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.
આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં કૃપા ફાઉન્ડેશન જીવદયા સંસ્થા ચલાવતા જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદ વાણીયા, કે જેઓ સંસ્થાના પ્રમુખ છે. તેમને તેમજ મોરબીના કેટલાક ગૌરક્ષકો તરફથી માહિતી મળી હતી, કે કચ્છ ભુજથી મોટા ટ્રકમાં સંખ્યાબંધ પશુઓને ભરીને જામનગર તરફ કતલખાને મોકલવામાં આવી રહ્યા છે, અને જોડિયા પંથકમાંથી તે ટ્રક પસાર થઈ રહ્યો છે. જે માહિતીના આધારે ગત મોડી રાત્રે જોડિયા પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને જોડિયા તાલુકાના કેશીયા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.
જે વોચ દરમિયાન જી.જે.04-7144 નંબરનો ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવીને તલાસી લીધી હતી. જે દરમિયાન ટ્રકનો ચાલક ટ્રક છોડીને તેમાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ ક્લીનર હાથમાં આવ્યો હતો. જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ નામ અસગરશા ઇસુબશા શેખ અને કચ્છ ભુજમાં રહીને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. તેની સાથે રહેલા ટ્રકના ડ્રાઇવરનું નામ પૂછતા તેણે ડ્રાઇવરનું નામ દિલાવર અબ્દુલ પઠાણ અને તે પણ ભુજનો રહેવાસી હોવાનું કબૂલ્યું હતું. જે ટ્રકમાં પશુઓ ભરીને લાવ્યો હતો, અને પોતાને મદદ માટે અને ક્લીનર તરીકે ટ્રકમાં જોડ્યો હોવાની કબુલાત આપી હતી.
ત્યારબાદ પોલીસે ટ્રકની તલાસી લેતાં ઉપર નીચે બે માળ પાટીયા ગોઠવીને બનાવ્યા હતા, અને તેમાં 75 ભેંસ ખીચોખીચ ભરીને દોરડાથી બાંધીને રાખવામાં આવી હતી અને તેને ખોરાક પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ ન હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ આ પશુઓને જામનગર તરફ કતલખાને મોકલવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તે માહિતીના આધારે જોડિયા પોલીસે રાજકોટના સંસ્થાના પ્રમુખ જયેન્દ્રભાઈ અનિલભાઈની ફરિયાદના આધારે કચ્છના ટ્રક ડ્રાઇવર અને ક્લિનિક સામે ગુનો નોંધી ક્લીનરની અટકાયત કરી લક ટ્રક કબજે કર્યો છે, તેમજ ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. ટ્રકના ક્લીનર પાસેથી એક છરી પણ મળી આવી હતી, તે કબજે લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં પશુ પ્રત્યે ઘાતકીપણાં અંગે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.