કરન્સી ટ્રેડિંગમાં બમ્પર પ્રોફિટની વાતોમાં ફસાવી વેપારી પાસે 75.37 લાખ ખંખેરી લીધા
Vadodara Fraud Case ; વડોદરાના એક વેપારીને કરન્સી ટ્રેડિંગના નામે ફસાવી 75.37 લાખ પડાવી લીધા હોવાનું બનાવ બનતા સાયબર સેલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
માંજલપુરના પ્રાર્થના ફ્લેટમાં રહેતા અને રાવપુરામાં ઓફિસ ધરાવતા ચિરાગભાઈ શાહે પોલીસને કહ્યું છે કે, જૂન 2024 માં હું એક એપ જોઈ રહ્યો હતો તે દરમિયાન શ્રુતિકા રાણાનો મેસેજ આવ્યો હતો અને ટેલિગ્રામ આઈડી માંગ્યું હતું. તેણે મારી પર્સનલ ડિટેલ મેળવી કરન્સી ટ્રેડિંગમાં સારો એવો ફાયદો કરાવી આપશે તેમ કહી વિશ્વાસ સંપાદન કર્યો હતો.
વેપારીએ કહ્યું છે કે, શરૂઆતમાં મેં રૂ 20000 જમા કરાવ્યા તેની સામે મને રૂ.2400 જેટલો ફાયદો થયો હતો અને આ રકમ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ થઈ હતી. ત્યારબાદ મેં એક લાખ જમા કરાવ્યા હતા જેની સામે મને 40,000 નો ફાયદો થયો હતો અને આ રકમ પણ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર તમને વિશ્વાસ બેઠો હતો.
શ્રુતિકાના નામે વાત કરતી વ્યક્તિએ મને અલગ અલગ લિંક મોકલી રકમો ટ્રાન્સફર કરાવી હતી. કુલ રૂ 75.37 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જેની સામે મારા ઓનલાઈન એકાઉન્ટમાં 4.73 લાખ ડોલર (અંદાજે 3.78 કરોડ) નો ફાયદો બતાવવામાં આવતો હતો. પરંતુ આ રકમ ટેક્સ તેમજ જુદા-જુદા બહાના બતાવીને ઉપાડવા દેવામાં આવતી ન હતી. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાય આવતા મેં સાયબર સેલને જાણ કરી હતી.