સોમનાથમાં 75,000 ભાવિકો ઉમટયા : દ્વારકા, ઘેલા સોમનાથ સહિત સ્થળે ભીડ
આજે સવારે મંગળવારી અમાસ સાથે શ્રાવણની પૂર્ણાહુતિ થશે : સોમવતી અમાસે લાખો લોકોએ પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યુ : ત્રંબા, દામોદાર કુંડ, ગોમતી ઘાટ સહિત સ્થળે પવિત્ર સ્નાન કરાયું
રાજકોટ, : આજે શ્રાવણ માસના અંતિમ પાંચમા સોમવાર નિમિત્તે ભગવાન શિવજીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રિ સુધીમાં અંદાજે 75,000થી વધુ ભાવિકોએ કતારમાં ઉભા રહીને દેવાધિદેવ મહાદેવને શીશ નમાવ્યું હતું. તો આજે શ્રાવણી સોમવાર સાથે સોમવતી અમાસના પવિત્ર સંગમનો દિવસ હોવાથી દ્વારકાના ગોમતીઘાટથી માંડીને જુનાગઢના દામોદાર કુંડ, ત્રિવેણી સંગમ સહિતના સ્થળે લાખો ભાવિકો ઉમટી પડયા હતા અને પિતૃ તર્પણ કર્યું હતું.
આ વર્ષે શ્રાવણ માસની અમાસ બે દિવસ છે, આજે સોમવતી અમાસ હોવાથી તેનું ધર્મકાર્ય માટે સવિશેષ મહત્વ રહ્યું છે. આવતીકાલે સવાર સુધી અમાસ છે અને તેથી આવતીકાલે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થશે. આજે તાપી,ડાંગ,સુરત પંથકમાં અતિ ભારે વરસાદ હતો પરંતુ, સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનો વિરામ રહેતા શિવાલયોએ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. પ્રાચીન પરંપરાને લક્ષ્યમાં રાખીને દરેક શિવમંદિરમાં પીપળાનું વૃક્ષ અચૂક હોય છે અને આજે અમાસના દિવસે લાખો શ્રધ્ધાળુઓએ પીપળાના વૃક્ષે જવતલ સાથે શુધ્ધ જળ રેડીને, દિવડો પ્રગટાવીને, વૃક્ષદેવને પૂજા કરીને, પરિક્રમા કરીને પિતૃઓનું તર્પણ કર્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના સૂત્રો અનુસાર આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 55,000થી વધુ ભાવિકો બાદ રાત્રિના 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓનો ધસારો રહ્યો હતો. સવારે 4 વાગ્યાથી જ દર્શનાર્થીઓની કતારો લાગી હતી. આજે સોમનાથ દાદાને 58 સોમેશ્વર પૂજા, 74 ધ્વજાપૂજા, 795 રૂદ્રાભિષેક કરવામાં આવ્યા હતા. આજે શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવને 200 કિલ પૂષ્પોનો શ્રૂંગાર કરવામાં આવ્યો હતો, શિવલિંગ પર લાલ ફૂલ ચડાવવાથીી ભક્તિ વધે છે, સફેદ ફૂલથી શાંતિ મળે છે, પીળા ફૂલોથી ધન-સંપત્તિની વૃધ્ધિ થાય છે, ગુલાબી ફૂલોથી ભગવાનમાં મન લીન થાય છે, કેસરી ફૂલથી ત્યાગની ભાવના જાગે છે તેવી ભાવિકોની શ્રધ્ધા રહી છે.
દ્વારકા પાસે દારૂકાવન તરીકે પ્રસિધ્ધ સ્ળથે જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને દુગ્ધાભિષેક, જળાભિષેક, બિલ્વપત્ર આદિથી પૂજન કરીને ધન્યતા અનુભવી હતી. તો દ્વારકાના ગોમતી ઘાટ પર સેંકડો ભાવિકોએ ઉમટી પડીને પવિત્ર સ્નાન કર્યું હતું. જુનાગઢમાં નરસિંહ મહેતા જ્યાં સ્નાન કરવા જતા તે દામોદર કુંડ અને પૌરાણિક ભવનાથ મહાદેવ તથા અન્ય શિવમંદિરોએ પણ ભાવિકો ઉમટયા હતા. રાજકોટમાં આજી નદી કાંઠે રામનાથ તેમજ પંચનાથ ,જાગનાથ સહિત શિવાલયોમાં સવારથી રાત્રિના મોડે સુધી દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. શહેર નજીક ત્રંબા પાસે ત્રિવેણી ઘાટ પર સ્નાન માટે પણ ભાવિકો ઉમટયા હતા.