બેંકમાં કે.વાય.સી. અપડેટ કરાવવાનું કહીને ૭૪ હજાર વિડ્રો કરી લીધા
સિનિયર સિટિઝનને કોલ કરી ભેજાબાજે ઓનલાઇન કે.વાય.સી. અપડેટ કરવા કહ્યું હતું
વડોદરા,આધાર કાર્ડ કે.વાય.સી. અપડેટ કરાવવાનું કહીને ગઠિયાએ સિનિયર સિટિઝનના એકાઉન્ટમાંથી ૭૪,૪૧૧ રૃપિયા વિડ્રો કરી લીધા હતા. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર કોતર તલાવડી પાસે દર્શન નગરમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા ૫૮ વર્ષના રાજકુમાર લખનલાલ તિવારીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૨ મી તારીખે મારા મોબાઇલ પર એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે, મેં બેન્ક સે રાહુલ બોલ રહા હું. આપકા આધાર કાર્ડ કે.વાય.સી. અધૂરા હે. કે.વાય.સી. કરના પડેગા. હું બાઇક ચલાવતો હોઇ થોડીવાર પછી કરૃં છું. તેવું કહીને કોલ કટ કરી દીધો હતો.ઘરે આવીને મેં ફરીથી કોલ કરતા મને કહ્યું કે, આપકા આધાર કાર્ડ કે.વાય.સી. કમ્પલીટ નહીં હુઆ હે. આપકો બેન્ક જાને કી જરૃર નહીં હે. ઓનલાઇન હો જાયેગા. મને સમજ નહીં પડતી હોવાથી મેં મારી દીકરીને મોબાઇલ આપી પ્રોસેસ કરી આપવા જણાવ્યું હતું. મારી દીકરીએ પ્રોસેસ કરી હતી. ત્યારબાદ બીજે દિવસે બપોરે મારા એકાઉન્ટમાંથી ૭૪,૪૧૧ ઉપડી ગયા હતા.