MSUમાં કોમર્સના 700 વિદ્યાર્થીઓને એફવાયની ઈન્ટરનલ પરીક્ષામાં નહીં બેસવા દેવાય
એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયના 700 વિદ્યાર્થીઓ તા. 14 મેથી શરુ થનારી બીજા સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા નહીં આપી શકે.
ફેકલ્ટીના સૂત્રોનુ કહેવુ છે કે, પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને પોતાની સ્ટુડન્ટ પ્રોફાઈલમાં જઈને વૈકલ્પિક વિષયોની પસંદગી કરવા માટે ફેકલ્ટી દ્વારા વારંવાર સૂચના અપાઈ હતી. વિષય પસંદગી નહીં કરનારા વિદ્યાર્થીઓ ઈન્ટરનલ પરીક્ષા નહીં આપી શકે તેવી તાકીદ પણ કરવામાં આવી હતી. આમ છતા ઘણા વિદ્યાર્થીઓ બેદરાકર રહ્યા હતા. એફવાયના 6000 જેટલા વિદ્યાર્થીઓમાંથી લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમણે નિશ્ચિત સમય મર્યાદામાં વૈકલ્પિક વિષયો પસંદ કર્યા નથી.
જેના કારણે આ વિદ્યાર્થીઓ તા.14 મેથી શરુ થનારી પરીક્ષા નહીં આપી શકે.તેમના માટે પાછળથી વધારાની ઈન્ટરનલ પરીક્ષા લેવામાં આવશે પણ તે પહેલા તેમણે વિષયો તો પસંદ કરવા જ પડશે.
ફેકલ્ટી સૂત્રોનુ કહેવુ છે કે, સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ જ બેદરકાર રહ્યા છે. વિષય પસંદગી પણ ઓનલાઈન જ કરવાની હતી. આમ છતા વિદ્યાર્થીઓએ આળસ દાખવી છે. નવી શિક્ષણ નીતિ પ્રમાણે ઈન્ટરનલ પરીક્ષા નહીં આપનાર વિદ્યાર્થીઓ એક્સટર્નલ પરીક્ષા પણ નહીં આપી શકે. આવા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ તેમના પર ધ્યાન આપવાની જરુર નથી. પહેલા સેમેસ્ટરમાં માત્ર 100 જેટલા વિદ્યાર્થીઓએ વિષય પસંદગી કરવામાં વિલંબ કર્યો હતો પણ બીજા સેમેસ્ટરમાં આ સંખ્યા અચાનક વધી ગઈ તે પણ આશ્ચર્ય છે.