ઉત્તરાયણને લઈ સુરતમાં બે દિવસ 70 ઓવરબ્રિજ બંધ કરાયા,તમામ બ્રિજ પર ટુ વ્હીલર માટે "નો એન્ટ્રી"
બ્રિજને છેડે પોલીસના જવાનો તૈનાત કરાયા
સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી બ્રિજ બંધ રહેશે
સુરત, 14 જાન્યુઆરી 2023 શનિવાર
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં વિવિધ રીતે મકરસંક્રાતિની હર્ષોઉલ્લાસથી ઉજવણી થશે. ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણનું ખુબ મહત્વ હોય છે તેથી આજે ગુજરાતવાસીઓ આનંદ અને ઉલ્લાસથી આ તહેવારની ઉજવણી કરશે. આજે હવામાન ખાતાની આગાહી મુજબ પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે. આજે સવારથી જ પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરના 70થી વધુ ઓવરબ્રિજ બે દિવસ માટે બંધ રહેશે.
70 જેટલા બ્રિજ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
સુરત શહેરમાં તંત્ર દ્વારા ઉત્તરાયણના તહેવારમાં પતંગ અને દોરીથી કોઇ અકસ્માતની ઘટના ના બને અને કોઈ પણ વ્યક્તિને ઈજા ના થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના 70થી વધુ ઓવરબ્રિજને બે દિવસ માટે બંધ કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત તમામ બ્રિજ પર ટુ વ્હિલરને નો એન્ટ્રી કરી દેવાઈ છે. દરેક બ્રિજના છેડે પોલીસના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. સવારે આઠ વાગ્યાથી લઈને રાત્રે આઠ વાગ્યા સુધી શહેરના 70 જેટલા બ્રિજ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
બ્રિજ પર જતાં ટુ વ્હિલર ચાલકોને દોરીથી વધારે જોખમ
ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી ગળા કપાઈ જવા અને તેનાથી માનવ મૃત્યુના દાખલા પણ સામે આવ્યાં છે. બ્રિજ પર જતાં ટુ વ્હિલર ચાલકોને દોરીથી વધારે જોખમ હોવાથી સવારથી લઈને રાત સુધી બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પણ શહેરના બીઆરટીએસ રુટ પર પતંગ ચગાવવા કે લુંટવાના કારણે સતત અકસ્માતનો ભર રહેલો છે
BRTS કોરિડોરમાં પતંગ ચગાવવા કે પકડવા પ્રતિબંધ
સુરત શહેરમાં ઉતરાયણ ના દિવસ દરમિયાન અકસ્માત રોકવા માટે શહેરના ફ્લાય ઓવરબ્રિજ પર ટુ વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેની સાથે સાથે હવે સુરત પાલિકાના BRTS કોરિડોરમાં પતંગ ન ચગાવવા કે પકડવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.