છ મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 70 લાખની છેતરપિંડી
Image Source: Freepik
- માત્ર એક જ મહિનામાં કંપની બંધ થઇ જતા રૂપિયા ફસાયા: નવી કંપની શરૂ કરી ફરીથી રૂપિયાનું રોકાણ કરવા લાલચ આપી
વડોદરા, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર
માત્ર છ મહિનામાં રોકાણ કરેલા રૂપિયા ડબલ થઇ જશે.તેવી લાલચ આપી એસ્ટેટ બ્રોકર અને તેના મિત્રો સાથે 70.70 લાખની છેતરપિંડી કરનાર બે ઠગ સામે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી આઇ.ટી.આઇ. ની સામે કલ્યાણ નગરમાં રહેતા અશોક ચંદ્રપ્રકાશ દૂબે જમીન લે - વેચનો ધંધો કરે છે. અગાઉ તેઓ સરકો નામની કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે એસ.બી.આઇ. બેન્કના લોન તથા ક્રેડિટ કાર્ડ કન્સલ્ટિંગનું કામ કરતા હતા. હરણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, બેન્કનું કામ કરતો હતો. તે સમયે અલ્હાદ ડોંગરે ( રહે.ગણપતિ મંદિરની સામેની ગલીમાં, દાંડિયાબજાર) સાથે વર્ષ - 2017માં પરિચય થયો હતો. તેઓ અલકાપુરીમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા હતા. અલ્હાદ ડોંગરેએ મને જણાવ્યું હતું કે, મૂળ સુરતના અને હાલમાં માણેજા સન ગોલ્ડ કોમ્પલેક્સમાં રહેતા નિલેશ હરજીભાઇ ભિખડીયા મલ્ટિ લેવલ માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે. તેમજ ફ્લાય સ્કાય ટ્રેડિંગ નામની કંપની છે. જેના માલિક ઇશ્વરભાઇ જોશી છે. અને તેના માલિક ભોપાલમાં રહે છે. આ વિદેશી કંપની છે. આ કંપનીમાં રોકાણ કરવાથી છ મહિનામાં રૂપિયા ડબલ થઇ જશે. અલ્હાદ ડોંગરેએ પણ તેમાં રોકાણ કરતા ફાયદો થયો છે.
ત્યારબાદ મેં જૂન - 2017માં અલ્હાદને ૪ લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ મેં મારા મિત્રોને ફ્લાય સ્કાય ફૂડ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં રોકાણની સ્કીમ સમજાવી હતી. પરંતુ, એક જ મહિનામાં કંપની બંધ થઇ ગઇ હતી. અલ્હાદ ડોંગરેએ નિલેશ ભિખડીયાને વાત કરતા નિલેશે જણાવ્યું કે, કંપની રજીસ્ટ્રેશનમાં પ્રોબ્લેમ છે. જેથી,વેબસાઇટ પર જોઇ શકાશે નહીં. નવી બીટ ટ્રેડ નામની કંપની શરૂ કરી છે.તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા રૂપિયા સલામત છે.મેં તથા મારા મિત્રોએ આ સ્કીમમાં કુલ 70.70 લાખનું રોકાણ કર્યુ હતું.