સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો : દેશ-વિદેશના 70 પતંગબાજોએ સુરતીઓના દિલ જીત્યા
Surat International Kite Festival : સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 70 પતંગબાજોનો જમાવડો થતા ઉપસ્થિત દર્શકોને રંગબેરંગી વિશાળકાય પતંગો અને પતંગબાજોના કરતબો નિહારવાનો મોકો મળ્યો હતો. દર્શકોએ પતંગબાજીની ઉત્સાહથી મજા માણી હતી.
ઈસ્ટોનિયાથી સુરત પધારેલા એન્ડ્રેસ સોક નામના પતંગબાજે કહ્યું કે, પતંગ મહોત્સવથી ખુબ પ્રભાવિત થયો છું. પતંગબાજીનો શોખ મને મારા પિતા પાસેથી વારસામાં મળ્યો છે. મારા પિતાજી એક અચ્છા પતંગબાજ છે. અમે ઇસ્ટોનિયામાં અવનવી ડિઝાઇન અને નાનકડી પતંગથી લઇ મહાકાય પતંગો જાતે બનાવીને અન્ય દેશોમાં યોજાતા પતંગોત્સવમાં પ્રદર્શિત કરીયે છીએ. સુરતની પ્રેમાળ જનતાનો સહકાર મળ્યો તે માટે અમે તેમનો આભાર માનીએ છીએ. હજુ ભવિષ્યમાં પણ સુરતના આંગણે પતંગબાજી દર્શાવવા આવીશું તેવી પણ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી.
જર્મનીથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા જેન હેલમર્ટ મેચેસેકે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં પતંગોત્સવમાં ભાગ લેવાનો મારો આ બીજો પ્રસંગ છે. જર્મનીમાં અવારનવાર યોજાતા પતંગોત્સવના કાર્યક્રમોમાં અચૂક ભાગ લઉં છું. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખુબ ખુશ છું. સુરતના રહીશોના પ્રેમ અને યજમાનીનું મધુર સંભારણું લઈને અમે સ્વદેશ જઈશુ.
22 વર્ષીય નિષ્ણાત પતંગબાજ ફ્રેડેરિકો મેટિઆસ પાઉસાડેલાએ પ્રતિભાવ આપતા કહ્યું કે, સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ પતંગ મહોત્સવ ગુજરાતમાં યોજાય છે, અમને ગુજરાતીઓ અને ખાસ કરીને સુરતવાસીઓ ખૂબ પ્રેમાળ લાગે છે. સુરતનું ભોજન પણ મને પ્રિય છે. સ્થાનિક ગીતસંગીત સાંભળવાની મજા આવે છે. સુરતના દર્શકોના પ્રોત્સાહન અને વહીવટીતંત્ર દ્વારા કરાયેલા ભાવભર્યા સ્વાગતથી હું ખૂબ ખુશ છું. રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિ., સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને સહકાર અને આવકાર બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.