આગ જેવી દુર્ઘટનામાં એક હજાર ડિગ્રી જેટલા તાપમાન સામે રક્ષણ આપતા 70 ફાયર શુટ ખરીદાશે
Image Source: Freepik
તક્ષશિલા દુર્ઘટનામાંથી પાઠ શીખી સતત અપગ્રેડ કરાતું ફાયર વિભાગ
જર્મન બનાવટના ફાયર સુટ એક કરોડના ખર્ચે ખરીદવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
સુરત, તા. 01 નવેમ્બર 2023 બુધવાર
સુરતમાં વર્ષ 2019 માં બનેલી તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાના ફાયર વિભાગને સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે. સુરત પાલિકા ફાયર સ્ટેશનમાં વધારા સાથે સાથે હવે આધુનિક સાધનોનો પણ સતત ઉમેરો કરી રહી છે.
સુરત પાલિકાના ફાયર વિભાગમાં પહેલા આગ બુઝાવવા માટે રોબોર્ટ નો સમાવેશ કર્યા બાદ હવે ફાયર વિભાગના જવાનો આગમાં જઈને એક હજાર ડિગ્રી જેટલા તાપમાન સામે રક્ષણ આપતા 70 ફાયર શુટ ખરીદવા જઈ રહી છે. જર્મન બનાવટના ફાયર સુટ એક કરોડના ખર્ચે ખરીદવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે તેના પર સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.
હદ વિસ્તરણ બાદ સુરત શહેરનો વિસ્તાર વધીને 462 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી અને લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે. વિસ્તાર અને વસ્તી વધવા સાથે છેલ્લા ઘણા વખતથી આગ અકસ્માતના બનાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પાલિકા વિસ્તારમાં વર્ષ 2019માં વરાછા ઝોનના સરથાણા ખાતે તક્ષશિલા બિલ્ડીંગ માં દુર્ઘટના બની હતી જેમાં 22 જેટલા નિર્દોષ બાળકો હોમાયા હતા. આ દુર્ઘટના બાદ પાલિકા સતત શહેર વિસ્તારમાં ફાયર સ્ટેશનમાં વધારો કરવા સાથે સાથે આધુનિક સાધનોમાં પણ સતત વધારો કરી રહી છે.
સુરત પાલિકાએ ફાયર વિભાગને અપગ્રેડ કરવા માટે જેમાં ૧૬ માળ સુધી જઈ શકે તેવી ટર્ન ટેબલ લેડર, જમ્પિંગ કુશન , અંધારામાં ફાયર ફાઇટિંગ માં મદદ કરી શકે તેવા એડવાન્સ કેમેરા સહિત ના સાધનો ખરીદી કરી છે. આ ઉપરાંત હવે પાલિકાના ફાયર વિભાગના જવાનો આગમાં જઈને પોતે સલામત રહે અને ફસાયેલાને પણ બચાવે તે માટે અતિ આધુનિક ફાયર શુટ ખરીદવા માટે જઈ રહી છે.
આગામી દિવસોમાં સુરત પાલિકા એક કરોડથી વધુના ખર્ચે એક હજાર ડિગ્રી તાપમાનમાં પણ જવાન ને રક્ષણ મળે તે માટેના ફાયર પ્રુફ જર્મન બનાવટના શુટ ખરીદવા જઈ રહી છે. જર્મન બનાવટના શુટ ખરીદવા જઈ રહી છે આ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામ આવી છે તેના પર નિર્ણય કરાશે.