રાજકોટમાં માત્ર દોઢ વર્ષમાં 70 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
રાજકોટમાં માત્ર દોઢ વર્ષમાં 70 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડ 1 - image


હાલમાં દરરોજ 40 ફરિયાદો પોલીસને મળે છે લોકો જે રકમ ગુમાવે છે તેમાંથી માત્ર 10  ટકા રકમ જ પરત મળે છે : ભોગ બન્યા બાદ તત્કાળ હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવા અનુરોધ

 રાજકોટ, : દેશભરની પોલીસ સાયબર ફ્રોડ અટકાવવામાં નિષ્ફળ નિવડી છે. જેને કારણે દરરોજ કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. એકલા રાજકોટમાં જ હાલમાં સાયબર ફ્રોડના દરરોજ 40  કિસ્સાઓ નોંધાઈ ગયા છે. રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષમાં લોકોએ સાયબર ફ્રોડમાં 70  કરોડથી વધુ રકમ ગુમાવી છે. જેમાંથી  સાયબર ક્રાઈમ પોલીસ 7.23 કરોડ એટલે કે ગુમાવેલી રકમના અંદાજે 10 ટકા રકમ જ  પરત અપાવી શકી છે. 

2023માં રાજકોટમાં સાયબર ફ્રોડની 7783 ફરિયાદો પોલીસને મળી હતી. પોલીસના અંદાજ પ્રમાણે આ તમામ ફરિયાદોમાં લોકોએ એકંદરે 35  કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. જયારે ચાલુ વર્ષના માત્ર 6 મહિનામાં જ પોલીસને સાયબર ફ્રોડની 7062  ફરિયાદો મળી છે. જે ગયા વર્ષ કરતાં બમણી છે. એટલે કે હાલમાં રાજકોટમાં સાયબર ફ્રોડને લગતી દરરોજ ૪૦ ફરિયાદો થઈ રહી છે. 

ચાલુ વર્ષના 6 માસમાં જ પોલીસના અંદાજ પ્રમાણે રાજકોટના લોકોએ સાયબર ફ્રોડમાં એકંદરે 36 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જેમાંથી પોલીસ 3.79 કરોડ જ પરત અપાવી શકી છે.

2023માં રાજકોટ પોલીસને મોબાઈલ ગુમ થયાની કે ચોરી થયાની અસંખ્ય ફરિયાદો મળી હતી. જેમાંથી પોલીસ રૂા. 72.12 લાખના પ૬ર મોબાઈલ ફોન પરત મેળવી શકી હતી. જયારે 2024નાં 6 માસમાં પોલીસ રૂા. 67.59 લાખના 403 મોબાઈલ ફોન પરત મેળવી શકી છે. 

છાશવારે સાયબર ક્રાઈમ પોલીસ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને અનુરોધ કરે છે. આમ છતાં તેના કોઈ ધાર્યા પરિણામો આજ સુધી મળ્યા નથી. પરિણામે વધુને વધુ લોકો સાયબર ફ્રોડનો  ભોગ બની રહ્યા છે. 

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે સાયબર ફ્રોડ બાબતે લોકો જાગૃતિ કેળવે તે ખૂબ જ જરૂરી છે. સાથોસાથ સાયબર ફ્રોડનો ભોગ બને તે સાથે જ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના હેલ્પલાઈન નંબર 1930માં તત્કાળ ઓનલાઈન ફરિયાદ કરે તો જે ખાતામાં ફ્રોડની રકમ જમા થઈ હોય તેને ફ્રીઝ કરાવી રકમ પરત અપાવી શકાય છે.


Google NewsGoogle News