જામજોધપુર-કાલાવડ અને ધ્રોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાંથી બળવો કરીને ચૂંટણી લડનારા 7 કાર્યકરો સસ્પેન્ડ
Jamnagar BJP : જામનગર જિલ્લાની ધ્રોલ, જામજોધપુર અને કાલાવડ નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની સામે ઉમેદવારી કરનાર પક્ષના 7 કાર્યકરો વિરૂદ્ધ જિલ્લા ભાજપ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. આ તમામને છ વર્ષ માટે પાર્ટીના પ્રાથમિક સભ્યેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આગામી યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ નગર પાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના આદેશની વિરુદ્ધ જઈ, પક્ષના અધિકૃત ઉમેદવાર સામે જે કાર્યકરોએ ઉમેદવારી નોંધાવેલી છે, તેઓની સામે પ્રદેશ સંગઠનની સુચના અનુસાર આકરા પગલા લીધા છે. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ આવા તમામ 7 કાર્યકરોને આગામી છ વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય સહિત તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા છે.
સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં (1) કાલાવડ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર હરિશચંદ્રસિંહ જાડેજા (2) એ.પી.એમ.સી. જામજોધપુરના રાજુભાઈ કાલરીયા (3) જામજોધપુર મહિલા મોરચાના પ્રમુખ ચંદ્રિકાબેન ખાંટ (4) વિરાભાઈ કટારા (5) જિલ્લા આર્થિક સેલના સહકન્વીનર હિતેષ ભોજાણી (6) ધ્રોલના કાર્યકર્તા ચન્દ્રકાંતભાઈ વલેરા (7) અનુ.જાતી મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ વિંઝુડા વગેરે સામેલ છે. જે તમામ સામે જિલ્લા ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.