Get The App

જામનગરથી લીલી પરિક્રમા લઈ જતી રીક્ષા પલટી ખાઈ જતાં 7 મહિલાઓ ઇજાગ્રસ્ત, એકનું મૃત્યુ

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
જામનગરથી લીલી પરિક્રમા લઈ જતી રીક્ષા પલટી ખાઈ જતાં 7 મહિલાઓ ઇજાગ્રસ્ત, એકનું મૃત્યુ 1 - image


Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વાંકીયા ગામના પાટીયા પાસે એક રીક્ષા પલટી મારી જતાં તેમાં બેઠેલા નાના વાગુદડ ગામના સાત મહિલાઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. જે પૈકીના એક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જૂનાગઢની લીલી પરિક્રમામાં હાજરી આપવા જતી વેળાએ આ અકસ્માત નડ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના નાના વાગુદડ ગામમાં રહેતા પૂર્ણાંબા જયવીરસિંહ જાડેજા (46), ઉપરાંત મીનાબા મંગળસિંહ જાડેજા સહિતના સાત જેટલા બહેનો, કે જેઓ ગત 10 મી તારીખે જુનાગઢની લીલી પરિક્રમામાં જવા માટે એક રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન વાંકીયા ગામના પાટીયા પાસે જીજે-10 ટી.ઝડ. 1806 નંબરની રીક્ષા પલટી મારી જતાં રીક્ષાની અંદર બેઠેલા સાતેય મહિલાઓને નાની મોટી ઈજા થઈ હતી, અને તમામને પ્રાથમિક સારવાર અપાઈ હતી.

પરંતુ તેમાં પૂર્ણાંબા જયવીરસિંહ જાડેજાને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં તેઓનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત પૈકીના મીનાબા મંગળસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસ ગઈકાલે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગઇ હતી અને પૂર્ણાબાના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જ્યારે બનાવના સ્થળે જઈ પંચનામું કર્યું છે. ઉપરાંત રિક્ષાચાલક સામે ગુનો નોંધી તેના રજીસ્ટ્રેશન નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.

નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજાને રિક્ષામાં મોત પોકારતું હતું 

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વાંકિયા નજીક રીક્ષા પલટી મારી જતાં નાના વાગુદડ ગામના પૂર્ણાબા જાડેજા નામના મહિલા ઘાયલ થયા પછી તેમનું મૃત્યુ નીપજ્યું છે, તેઓને રિક્ષામાં મોત પોકારતું હતું. પૂર્ણાબા જાડેજા તેમની સાથેના અન્ય છ મહિલાઓ સાથે જૂનાગઢની લીલી પરિક્રમામાં જવા માટે ગત 10 મી તારીખે નીકળ્યા હતા. તમામ મહિલાઓ ધ્રોલ બસ ડેપો પરથી જૂનાગઢની બસમાં જવાના બદલે ભૂલથી જામનગર તરફ આવતી બસમાં બેસી ગયા હતા.

 જે બસ થોડે દૂર સુધી પહોંચી તે દરમિયાન બસ કંડક્ટરે ટિકિટની માંગણી કરતા તમામ મહિલાઓએ જુનાગઢની ટિકિટ માંગી હતી, જેથી બસ કંડક્ટરે આ બસ જૂનાગઢ નહીં પરંતુ જામનગર જતી હોવાનું જણાવ્યું હતું, તેથી સાતેય મહિલાઓ રસ્તામાં જ ઉતરી ગઈ હતી, ત્યારબાદ જૂનાગઢ જવા માટે ફરીથી નવી બસ પકડવા તમામ મહિલાઓ એક રીક્ષામાં બેસીને ધ્રોળ એસટી ડેપો તરફ આવવા માટે રવાના થઈ હતી, પરંતુ વાંકીયા ગામ પાસે તેઓને આ ગોજારો અકસ્માત નડ્યો હતો. જેમાં એક માત્ર મહિલા પૂર્ણાબા મૃત્યુ પામ્યા હતા, અને તેઓનું શિક્ષામાં મોત પોકારતું હતું.


Google NewsGoogle News