સુરતમાં ધો. 7માં ભણતાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત, ભણવા બાબતે માતાએ ઠપકો આપતા દીકરાને લાગી આવ્યું
Surat News : સુરતના નવાગામ ડિંડોલીમાં મૂળ મહારાષ્ટ્રના એક પરિવારના 13 વર્ષના દીકરાને માતાએ ભણવા બાબતે ઠપકો આપ્યો હતો, જેનું માઠું લાગતાં દીકરાએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
ધોરણ 7ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો
સુરતના નવાગામ ડિંડોલી ખાતે મૂળ મહારાષ્ટ્રના રોહિદાસ પાટીલ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પત્ની આંગણવાડીમાં કોન્ટ્રેક્ટર વર્કર તરીકે કામ કરે છે. રોહિદાસ પાટીલનો દીકરો ડિંડોલીની સરકારી શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો, જેણે ગઈકાલે સોમવારે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેની પરિવારને જાણ થતાં દીકરાને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
મળતી માહિતી મુજબ, રોહિદાસ પાટીલના પત્નીએ પોતાના દીકરાને અભ્યાસને લઈને ઠપકો આપ્યો હતો. જેનું દીકરાને માઠું લાગતા આ પ્રકારનું પગલું ભર્યો હોવાનું સામે આવ્યું છે. જો કે, કયા કારણોસર બાળકે આપઘાત કર્યો તેને લઈને ડિંડોલી પોલીસ તપાસ કરી રહી છે.