તળાજા પાલિકાની ગત ચૂંટણી કરતા 7 ટકા ઓછું મતદાન
- લોકરોષ ઈવીએમમાં કેદ થયો, સ્પષ્ટ બહુમતીને લઈ અવઢવ
- ઈવીએમ અને મોકપોલ મળી 3 મશીન બદલવા પડયાં, સ્વીચ ન દબાતી હોવાની ફરિયાદો રહી
તળાજા પાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠક માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીનું આજે મતદાન થયું હતું. દિવસભર મતદાન બૂથ નજીક ઉભા રહેવા, ટોળું વળવા બાબતે પોલીસ સાથે જીભાજોડી થતી જોવા મળી હતી. ઉમેદવાર થયા ત્યારથી જ વોર્ડ નં.૨ સૌથી વધુ ચકચારી અને વિવાદિત રહ્યો હતો. જે છેક આજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી ઉભા રહેવા, ઓળખપત્રના મામલે વિવાદમાં જ રહ્યો હતો. દિનદયાળનગર વિસ્તારના વોર્ડ નં.૫ના કેન્દ્ર નજીક ભાજપની ઝંડીઓ લાગેલી હોવાથી કોંગ્રેસે તેનો સખત વિરોધ કર્યો હતો. જેના કારણે ફાયર વિભાગના વાહનને દોડાવી ઝંડીઓ ઉતારવાની તંત્રને ફરજ પડી હતી. ક્યાંક ને ક્યાંકથી વિવાદોના વાવડને કારણે પોલીસ અધિકારીઓએ સતત દોડાદોડી કરવી પડી હતી.
પ્રારંભિક તબક્કાથી જ મતદાન ધીમું થતું જોવા મળ્યું હતું. મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે રાજકીય પક્ષોએ વાહનો દોડાવ્યા છતાં પણ લોકો મત આપવા બહાર નીકળ્યા ન હોવાનો ઉમેદવારોએ વસવસો ઠાલવ્યો હતો. વોર્ડ નં.૧, ૪ અને ૬માં ઈવીએમ અને મોકપોલ મશીનમાં ખોટકો આવતા તેને બદલવા પડયા હોવાનું ચૂંટણી અધિકારી જે.આર. સોલંકીએ જણાવ્યું હતું.
આ ચૂંટણીમાં અશક્ત, વૃદ્ધો, વિકલાંગ વ્યક્તિઓ મતદાન કરવા પહોંચી પ્રેરણારૂપ બન્યા હતા. અશક્ત મતદારોને મદદ કરવા પોલીસ અને હોમગાર્ડ જવાનોએ પણ માનવીય અભિગમ રાખ્યો હતો. જ્યારે ભરવાડ સમાજ માટે આજે લગ્ન અને મરણની વિધિનો પ્રસંગ હોવા છતાં તેઓ મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરવા પહોંચ્યા હતા. જ્યારે હાથમાં તલવાર, મીંઢોળ સાથે વરરાજા ભાવિનભાઈ દોરાળા મતદાન કરવા આવ્યા હતા. જો કે, મોટાભાગનો વર્ગ મતદાનથી અળગો રહેતા ગત ચૂંટણીની તુલનામાં આ ચૂંટણીમાં સાત ટકા ઓછું મતદાન થયું હતું.
વહેલી સવારથી મતદાન પૂર્ણ થયું બાદ કોણ સત્તારૂઢ થશે, કયાં વોર્ડમાંથી કોણ કપાશે, કોણ આવશે ? તેની ચર્ચા સાથે ટુંડે ટુંડે મતિ ભિન્નની માફક સૌ પોત પોતાનું ગણિત સમજાવતા સાંભળવા જોવા મળ્યા હતા. જે ઉમેદવાર જીતશે તે પાતળી સરસાઈથી જીતે તેમ માનવામાં આવી રહ્યું છે.
વોર્ડ વાઈઝ મતદાનના આંકડા
સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે ૫૭.૩૦ ટકા (ટેન્ટેટીવ) મતદાનનો આંકડો સામે આવ્યો છે. જેમાં વોર્ડ નં.૩માં સૌથી વધુ ૬૪.૩૦ ટકા, વોર્ડ-૫માં ૬૦.૩૫ ટકા, વોર્ડ-૨માં ૫૮.૦૪ ટકા, વોર્ડ-૧માં ૫૭.૬૧ ટકા, વોર્ડ-૭માં ૫૬.૭૮ ટકા, વોર્ડ-૪માં ૫૫.૦૫ ટકા અને સૌથી ઓછું વોર્ડ-૬માં ૫૦.૧૦ ટકા મતદાન નોંધાયું છે.
ગરમીમાં મતદારો માટે છાશની સેવા
તળાજા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસે આકરા તાપના કારણે મતદાન કરવા આવતા મતદારો માટે શિવ કથાકાર દ્વારા છાશની સેવા તેમજ મતદાન બૂથ નજીક ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ચૂંટણી કર્મચારીઓ ભાજપ તરફે મતદાન કરાવ્યાનો આક્ષેપ
તળાજાના વોર્ડ નં.૪ના કોંગ્રેસના ઉમેદવાર માનસંગ ડોડિયાએ બૂથના પ્રિસાઈન્ડીંગ ઓફિસર અને પટ્ટાવાળા ઉપર ભાજપ તરફી મતદાન કરવા પ્રેરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અહીં કોંગ્રેસના અન્ય ઉમેદવાર દ્રા પોલીસ સમથ ઉગ્ર આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. જ્યારે પ્રિસાઈન્ડીંગ ઓફિસરે આરોપોને પાયાવિહોણાં કહીં નકાર્યા હતા. કોંગી ઉમેદવારના આવા સણસણતા આક્ષેપને લઈ તળાજા ડે.કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ તાત્કાલિક પોલીસ અને ઝોનલ અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો.
કોંગ્રેસે મતદાન અટકાવતા મશીન બદલ્યું
તળાજાની જૂની એમ.જે.દોશી હાઈસ્કૂલ ખાતે વોર્ડ નં.૪નું એક બૂથ ઉભું કરાયું હતું. ત્યાં ઈવીએમની સ્વીચ બરાબર કામ ન કરતી હોવાનું પ્રિસાઈન્ડીંગ ઓફિસરનું ધ્યાન દોરવા છતાં પણ મશીન ન બદલવામાં આવતા કોંગ્રેસે હોબાળો મચાવી મતદાન બંધ કરાવ્યું હતું. જેને લઈ મશીન બદલવામાં આવ્યું હોવાનો કોંગ્રેસના ઉમેદવાર દાઉદભાઈ નાગરિયાએ દાવો કર્યો હતો.