દેવભૂમિ દ્વારકાના આ 7 ટાપુ બન્યા દબાણ મુક્ત, 36 ગેરકાયદે દબાણો દૂર કરાયા
Bet Dwarka 7 Island Encroachment Free : છેલ્લાં એક સપ્તાહથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે.
અઠવાડિયાથી ચાલી રહેલી મેગા ડિમોલિશન ઝુંબેશમાં વહીવટી તંત્ર અને પોલીસ ખાતાના સંકલનમાં સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને 7 કોમર્શિયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરીને 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. અહીંયાથી દરિયાઈ માર્ગે દુશ્મન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશન ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.
47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 બંદરો, 55 લેન્ડિંગ પોઇન્ટ, 34 ટાપુઓ, 15 ફિશિંગ પોઇન્ટ અને 11 જેટી વિસ્તારમાં અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોઈ આધાર-પુરાવા નહીં આપી શકતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લામાં 3 બંદરો, 11 ટાપુઓ, 11 લેન્ડિંગ પોઇન્ટ, 3 જેટી અને 6 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 પોર્ટ, 23 આઇલૅન્ડ, 44 લેન્ડિંગ પોઇન્ટ, 8 જેટી અને 9 ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. જ્યાં પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને 271 રહેણાંક અને 7 કોમર્શિયલ તેમજ 7 અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરી 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કોઈ જગ્યાએ દબાણ થતું હોય અથવા થયેલું હોય તો એ અંગે પોલીસને માહિતી આપવા પણ લોકોને રાજકોટ રેન્જ આઇજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.