ગેરકાયદે ખનીજ સાથે 7 ડમ્પર ઝડપાયા પરંતુ ખનિજ માફિયા કે ડ્રાઇવર હાથ ન લાગ્યા
- સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ નાયબ કલેક્ટરની ટીમના દરોડા
- વઢવાણ પાસેથી 3 અને કોઠારીયા પાસેથી 4 ડમ્પર સહિત બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનિજની મોટા પાયે ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠતા વઢવાણ નાયબ કલેકટર સહિતની ટીમે ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ૨૪ કલાકમાં અલગ-અલગ બે સ્થળો પરથી કૂલ સાત ડમ્પર સહિત ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે એક પણ દરોડામાં નાયબ કલેક્ટરની ટીમને ડમ્પર ચાલકો કેવી રીતે હાથ ન લાગ્યા તે મોટો સવાલ છે શું તમામ ટ્રક ચાલક વિના દોડતા હતા કે પછી અગાઉથી દરોડાની જાણ થઈ ગઈ હતી કે કેમ તેવા સવાલો ઉભા થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજોનું ખનન અને વહન સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તા.૦૯ ડિસેમ્બરના રોજ મોડી રાત્રે સુરેન્દ્રનગર-લીંબડી રોડ પર વઢવાણ પાસેથી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા ત્રણ ડમ્પર સહિત અંદાજે રૂા.૯૦ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વઢવાણ પોલીસ મથકે સીઝ કરાયો હતો. જ્યારે સતત બીજે દિવસે સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ખનીજ સંપત્તિ સહિત ચાર ડમ્પર મળી રૂા.૧.૨૦ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. બંને દરોડામાં દરોડા કરતી ટીમને ડમ્પર ચાલકો કેવી રીતે હાથ ન લાગ્યા તે મોટો સવાલ છે શું તમામ ટ્રક ચાલક વિના દોડતા હતા કે પછી અગાઉથી દરોડાની જાણ થઈ ગઈ હતી કે કેમ તેવા સવાલો ઉભા થયા છે. વઢવાણ નાયબ કલેકટર સહિતની ટીમે ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનીક પોલીસને અંધારામાં રાખી ૨૪ કલાકમાં અલગ-અલગ બે સ્થળો પરથી કૂલ સાત ડમ્પર સહિત ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.