નો પાર્કિંગ ઝોનમાંથી વાહનો ટોઇંગ કરવા ૭ ક્રેઇનો દોડતી થઇ
હાલમાં રોકડમાં દંડ ચૂકવવો પડશે : ડિજિટલ પેમેન્ટ પણ ટૂંક સમયમાં શરૃ કરાશે
વડોદરા,શહેરમાં છેલ્લા ૯ મહિનાથી નો પાર્કિંગ ઝોનમાં ઉભા રહેતા વાહનોને ટોઇંગ કરતી ક્રેઇનો બંધ રહી હતી. જે આજથી ચાલુ કરવામાં આવી છે. દંડની નવી રકમમાં પોલીસ દ્વારા વધારો કરવામાં આવ્યો છે.
પાર્કિંગની અપૂરતી સુવિધાના કારણે શહેરમાં અવાર - નવાર ટ્રાફિક જામની સમસ્યા વધતી જાય છે. લોકો પોતાના વાહનો જાહેર રોડ પર અન્યને અડચણરૃપ થાય તે રીતે મૂકી દેતા હોય છે. આવા વાહનોને રોડ પરથી દૂર કરવા માટે શહેરમાં ટોઇંગ ક્રેઇનો દોડતી હતી. પરંતુ, છેલ્લા ૯ મહિનાથી આ ક્રેઇનો બંધ હતી. આવતીકાલથી નવા ભાવ વધારા સાથે ટોઇંગ ક્રેઇનો ફરીથી શહેરમાં ફરતી થશે. ટુ વ્હીલર ટોઇંગ કરતી ૪ અને ફોર વ્હીલર ટોઇંગ કરતી ૩ ક્રેઇનો દોડતી થશે. ટોઇંગ કરેલા વાહનો ભૂંતડીઝાંપા ગ્રાઉન્ડ, મોતીબાગ તોપ પાસે તથા સયાજીગંજ ટોઇંગ સ્ટેશન ખાતે મૂકવામાં આવશે.
આ ઉપરાંત કેટલાક કિસ્સામાં વાહન ટોઇંગ કરીને લઇ જઇ શકાતા ન હોય ત્યારે તેવા વાહનોને સ્થળ પર જ લોક કરી દેવામાં આવે છે. તેવા કિસ્સામાં ૮૦૦ રૃપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.
ટોઇંગ કરેલા વાહનો ૪૮ કલાકમાં છોડાવી લેવાના હોય છે. પરંતુ, જો વાહન માલિક દ્વારા ૪૮ કલાકમાં વાહન છોડાવી લેવાય નહીં તો પ્રતિ દિન વધારે ચાર્જ વસુલ કરવામાં આવશે. વધુમાં, ટોઇંગ વાનમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. તેમજ ટોઇંગ વાનના ઇન્ચાર્જને બોડી વોર્ન કેમેરા પણ આપવામાં આવશે.