ટ્રેનમાંથી ૭.૯ કિલો ગાંજો બિનવારસી મળ્યો
ગાંજો બિનવારસી હાલતમાં છોડી જનાર આરોપીની શોધખોળ
વડોદરા,પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે ગાંજાનો જથ્થો બિનવારસી હાલતમાં કબજે કર્યો છે. પોલીસે ગાંજો બિનવારસી હાલતમાં છોડી જનાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૃ કરી છે.
ભરૃચ રેલવે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા એ.એસ.આઇ. દિનેશજી સોલંકી હાલમાં એન.ડી.પી.એસ. ડિટેક્ટ ટીમ પશ્ચિમ રેલવેમાં નોકરી કરે છે. ગઈકાલે મોડીરાતે પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ કરતા હતા. ટ્રેન કરજણ પસાર થયા પછી ટ્રેનના પાછળના ભાગે જનરલ કોચના કોરિડોરમાં એક બ્લ્યૂ કલરની બેકપેક બિનવારસી હાલતમાં પડી હતી. બેકપેકના માલિક અંગે તપાસ કરતા કોઇ મળી આવ્યું નહતું. પોલીસે બેકપેક ખોલીને ચેક કરતા તેમાંથી ચાર પેકેટ મળ્યા હતા. પંચોની હાજરીમાં પેકેટ ખોલતા તેમાંથી ૭.૯૯૫ કિલો ગાંજો કિંમત રૃપિયા ૭૯,૫૫૦ નો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી બિનવારસી હાલતમાં બેકપેક છોડીને ભાગી જનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.