અર્ધસરકારી મેડિકલ કોલેજોમાં 67થી 88 ટકા તોતિંગ ફી વધારો, એડમિશન પહેલા સરકારનો નિર્ણય
Fee Hike Medical Colleges Of GMERS: ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા સંચાલિત GMERS હેઠળની 13 મેડિકલ કોલેજની ફી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ વધારી દેવાઈ છે. સ્ટેટ ક્વોટામાં 67 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં 88 ટકા ફી વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આમ તો 2023મા કરાયો હતો પરંતુ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયા બાદ વધારો કરાતા સરકારે વધારો સ્થગિત રાખ્યો હતો.
13 મેડિકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો
વર્ષ 2023ની જેમ આ વખતે વાલીઓનો વિરોધ ન થાય તે માટે સરકારે પ્રવેશ પહેલા જ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટીની 13 મેડિકલ કોલેજોમાં તોતિંગ ફી વધારો જાહેર કરી દીધો છે. 20મી જુલાઈ 2023માં કરાયેલા ફી વધારાનો જ ઠરાવ કરી દેવામાં આવ્યો છે. રાજ્યની સોલા અમદાવાદ, ગોત્રી-વડોદરા, ગાંધીનગર, ધારપુર-પાટણ, હિંમતનગર, જૂનાગઢ, વલસાડ, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત કુલ 13 GMERS કોલેજમાં MBBSની વાર્ષિક ફીમાં 67થી 89 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે. સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણો મેડિકલ શિક્ષણના દરવાજા જ બંધ કરવાનું આયોજન કરાયું હોવાના આક્ષેપો થયા છે.
આ પણ વાંચો: NEET પેપર લીક કૌભાંડ: ગોધરાની જલારામ સ્કૂલની મોટી ભૂમિકા, પરીક્ષાર્થીઓ પાસેથી કોરા ચેક લેવાયા
મહત્ત્વની વાત એ છે કે મેડિકલ કોલેજની ફીમાં 2023માં ફી વધારા સાથે પરિપત્ર પ્રસિદ્ધ કરાયો હતો એમાં માત્ર તારીખ જ બદલવામાં આવી છે, બાકી કોઈ ફેરફાર કરાયો નથી. પ્રવેશ વર્ષ 2024-25 માટે GMERS હસ્તકની મેડિકલ કોલેજોની 13 મેડિકલ કોલેજોની સરકારી ક્વોટાની 75 ટકા બેઠકો મુજબ 1500 બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક 5.50 લાખ રૂપિયા લેવાશે. જ્યારે 10 ટકા મેનેજમેન્ટ ક્વોટાની 210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે સરન્ડર કરવામાં આવતા આ બેઠકોમાં પણ 5.50 લાખ રૂપિયા ફી લેવાશે. એનઆરઆઈક્વોટાની 15 ટકા લેખે 315 બેઠકો ઉપર વાર્ષિક 25 હજાર યુએસ ડોલર સાથે પ્રવેશ આપવાનો રહેશે. તથા એનઆરઆઈ ક્વોટાની 315 બેઠકોમાંથી ખાલી રહેતી બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ થશે અને જેમાં 17 લાખ રૂપિયા ફીથી પ્રવેશ આપવામાં આવશે.