650 કરોડ ચૂકવવામાં સરકારના અખાડા, 9મીથી તબીબી હડતાલ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
650 કરોડ ચૂકવવામાં સરકારના અખાડા, 9મીથી તબીબી હડતાલ 1 - image


મા યોજનામાં તબીબોના ખર્ચે જનસેવાનો શાસકોનો દાખડો : વીમા કંપની મનસ્વી રીતે કપાત કરતી હોવા સામે પણ વિરોધઃ IMAનું હડતાલને સમર્થન નહીં, : તબીબી આલમમાં બે ફાંટા!

પોરબંદર, : રાજયભરમાં માં કાર્ડ હેઠળ સારવાર આપવાની કામગીરી કરતી હોસ્પિટલોમાં નવમી ફેબુ્રઆરીથી ડોક્ટરો હડતાલ ઉપર જવાના છે, જેનું મુખ્ય કારણ એવું છે કે, સરકારે આ યોજનાની અમલવારી હેઠળ અંદાજે 650 કરોડ રૂપિયા જેવી રકમ હોસ્પિટલોને અને તેના તબીબોને ચુકવવાની બાકી છે.

આટલી મોટી બાકી રકમ મુદ્દે હોસ્પિટલો દ્વારા સરકાર સામે બાંયો ચડાવીને આંદોલન થવાનું છે અને તા. 9 સુધીમાં જો નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવી શક્યતા જણાઈ રહી છે.

પ્રધાનમંત્રી આરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.)નું કાર્ડ અત્યારે માસ્ટર સ્ટ્રોક જેવું કાર્ય કરે છે. લોકોને આ કાર્ડ હોવાને કારણે અમુક રોગ અને સારવારમાં મફત સારવાર મળી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ કાર્ડ આશીર્વાદરૂપ બન્યું છે. બીજી તરફ, અનેક ડોક્ટરો આ યોજનાનાં અધકચરા અમલથી નારાજ છે. તાજેતરમાં જ પાલનપુરના ડોક્ટરનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ડોક્ટરે વ્યથા ઠાલવી છે કે આ યોજના હેઠળ સારવાર સંબંધી રકમ ઘણા સમયથી મળતી બંધ થઈ છે અથવા બિલની રકમ કરતા ૩૦ ટકાથી ૭૦ ટકા રકમ કાપીને ડોક્ટર્સને આપવામાં આવે છે. હોસ્પિટલ બહુ મોટા દેણામાં આવી ગઈ છે.

અલબત્ત, ડોક્ટરોનું મોટું સંગઠન આઈ.એમ.એ. આ હડતાળમાં ટેકામાં હાલ જોડાવાનું નથી. પ્રાપ્ત માહિતી મુજબ નવમી ફેબુ્રઆરીએ જે ડોકટરો હડતાળમાં જોડાઈ રહ્યા છે તેમણે આઈ.એમ.એ. ઉપરાંત રાજ્ય સરકાર અને પી.એમ.જે.એ.વાય. સંલગ્ન તમામ અધિકારી તથા સંસ્થાઓનો સંપર્ક કર્યો પરંતુ યોગ્ય પ્રતિસાદ નથી મળ્યો તેવું તેમનું કહેવું છે. આઈ.એમ.એ.ના સુત્રો અનુસાર ટૂંક સમયમાં ગુજરાત કક્ષાની એક મીટિંગ થઈ રહી છે, જેમાં આ સંદર્ભે એક કમિટી બનાવી ે યોગ્ય તપાસ કરી હડતાળમાં જોડાવું કે નહીં તેનો નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું છે. આની સામે, હડતાલ પર જનારા તબીબોની દલીલ છે કે, આ અમારી હડતાળને નબળી પાડવાનું એક ષડયંત્ર રચાઇ રહ્યું છે. આ કોઈપક્ષની વિરૂદ્ધમાં કે સરકારની વિરૂદ્ધમાં હડતાળ નથી, પરંતુ અમારા હકની લડાઈ છે. અત્યાર સુધીમાં અમે જે કામ કર્યું છે તેની યોગ્ય રકમ તાત્કાલિક ચુકવવી જોઈએ અને ભવિષ્યમાં ખોટા નિયમો દેખાડીને કપાત થતી બંધ થવી જોઈએ.

દરમિયાન, ચૂંટણી સમયે મતનો લાભ મેળવવા માટે રૂડા રૂપાળા નામ આપીને પ્રચાર-પ્રસાર કરતી ભાજપ સરકારની ઝાટકણી કાઢીને ઉમેર્યું છે કે સરકારની બેદરકારીને કારણે દર્દીઓ હેરાન-પરેશાન થઈ જશે તે ગંભીર સ્થિતિ ધ્યાને લઈને વહેલી તકે નિવેડો લાવવો જોઈએ.

યોજનામાં તબીબોએ બેન્ક ગેરેન્ટી આપવી પડે છે : તબીબો આત્મમંથન કરે, સરકાર ત્વરિત હલ આણે : અનેક તબીબો ભાજપી હોવાથી લડતને સહકાર નથી આપતાં

પોરબંદર, : સામાન્ય રીતે એમ.એસ.એમ.ઇ. અંતર્ગત જે કાંઈ વીમા કંપનીઓ કે બેંકનું જોડાણ હોય તેને સરકાર બેંક ગેરેંટી આપતી હોય છે, જ્યારે કે મા યોજના માટે અહીં ડોક્ટરોએ બેન્ક ગેરેંટી આપવી પડે છે.

સરકારે નિયત કરેલી ફી મુજબ ચુકવણી થવી જોઈએ, પરંતુ તબીબોનું કહેવુ છે કે હાલ વીમા કંપનીએ આડેધડ કપાત કરીને ડોક્ટર લોબીને નારાજ કરી છે. ઘણી હોસ્પિટલના બે વર્ષથી વધારે સમયના બિલ બાકી છે, તો ઘણા છ મહિના સુધીના બિલની રાહ જોઈ રહ્યા છે, જે આંકડો કરોડોમાં થવા જઈ રહ્યો છે. ડોક્ટરોનું એમ પણ કહેવું છે કે, આઈ.એમ.એ.માં મોટા ભાગના સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા ડોક્ટરો હોવાથી અમારા પ્રશ્નને સરકાર સુધી પહોંચાડતા નથી કે અમને સહકાર આપતા નથી જે ન થવું જોઈએ.

મોઢવાડિયા દ્વારા આરોગ્ય મંત્રીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, ડોક્ટર લોકો માટે સામાન્ય પબ્લિક કેમ રસ્તા પર નથી આવતી તે ડોક્ટરોએ પોતે પણ મનોમંથન કરવું જોઈએ. અમુક ડોક્ટરો ખોટી પ્રેક્ટિસ કરીને યોજનાનો લાભ લેવા માટે કાર્ય કરતા હોય છે અને સમગ્ર તબીબી આલમની શાખ જોખમાય છે. આવા સંજોગોમાં લોકો સાથ આપતા નથી. ગમે તે પક્ષે વાંધો હોય, પરંતુ તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો આવે તો સામાન્ય માણસને પડનારી તકલીફમાંથી ઉગારી શકાય. આરોગ્યમંત્રીએ તાત્કાલિક આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક દ્વારા નિર્ણય લેવો જોઈએ.


Google NewsGoogle News