૬૫ ગેરકાયદેસર વીજકનેકશન ઝડપાતા રૂા.૨૦ લાખનો દંડ
ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાં વીજતંત્રના દરોડા
- વિજિલન્સની ટીમોએ બંને તાલુકામાં ૪૦૦ જેટલા વીજ જોડાણો ચેક કર્યા
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાંથી વીજીલન્સની ટીમે ૬૫ ગેરકાયદેસર વીજકનેક્શન ઝડપાયા હતા. વીજ તંત્રએ ગેરકાયદે વીજચોરી કરતા લોકોને રૂા.૨૦ લાખનો દંડ ફટકાર્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર વિજચોરી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ધ્રાંગધ્રા પીજીવીસીએલ પેટા કચેરીના કાર્યપાલક ઈજનેરની સુચનાથી ધ્રાંગધ્રા શહેર સહિત ધ્રાંગધ્રા તેમજ દસાડા તાલુકાના અલગ-અલગ ગામોમાં વિજચેકીંગ હાથ ધર્યું હતું. વીજીલન્સ સ્કવોડના અધિકારીઓની કુલ ૩૦ વીજીલન્સ ટીમો દ્વારા વિજચેકીંગ હાથધરાયું હતું અને ૪૦૦ જેટલા વીજ જોડાણોના ચેકિંગ દરમિયાન ૬૫ વીજ જોડાણો પરથી કુલ રૂા.૨૦ લાખની વીજચોરી ઝડપી હતી. ગેરકાયદેસર વીજચોરી કરતા શખ્સો સામે રૂા.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા અને દસાડા તાલુકામાંથી મોટાપાયે વિજચોરી ઝડપાતા ગેરકાયદેસર વિજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.