Get The App

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં ૬૩ ઉમેદવારો મેદાનેઃઆજે ચિત્ર સ્પષ્ટ થશે

Updated: Feb 3rd, 2025


Google News
Google News
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં ૬૩ ઉમેદવારો મેદાનેઃઆજે ચિત્ર સ્પષ્ટ થશે 1 - image


ડમી અને પુરતા ટેકેદારો નહીં ધરાવતા ૨૦ દાવેદારના ફોર્મ રદ

આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી સીટ બિનહરિફ કરવા રાજકારણ પરાકાષ્ટાએઃઅપક્ષોને બેસાડવા પક્ષોના કાવાદાવા

ગાંધીનગર :  ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ ૮૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં આજે ફોર્મ ચકાસણી દરમ્યાન પક્ષના ડમી ફોર્મ તથા અપક્ષના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. કુલ ૨૦ જેટલા ફોર્મ રદ થતા હવે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ ૬૩ ઉમેદવારો મેદાને રહ્યા છે. જો કે,આવતીકાલને મંગળવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસ બાદ જ હરિફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકો માટે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શરૃઆતના દિવસોમાં ઘણા ફોર્મ ઉપડયા હતા જો કે, પાર્ટીના મેન્ડેન્ટની રાહ જોઇને ઘણા દાવેદારોએ ફોર્મ ભરવાનું મુનાસીબ સમજ્યું નથી તો બીજીબાજુ પાર્ટી દ્વારા જ ઘણી જગ્યાએ ડમી ઉમેદવાર ઉભા કરીને બે ફોર્મ ભરાવડાવ્યા હતા. જેના કારણે ઘણી બેઠક ઉપર બેથી વધુ ઉમેદવારો નોંધાયા હતા શનિવારે ફોર્મ ભરવાના આખરી દિવસે ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે કુલ ૮૩ ફોર્મ ભરાયા હતા.જેમાં ચકાસણી દરમ્યાન આજે ડમી ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે રદ કરી દેવામાં આવ્યા હતા. તો ટેકેદારના અભાવે પણ ફોર્મ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

ગાંધીનગર તાલુકા પંચાયતમાં કુલ ૨૦ ફોર્મ રદ થયા છે જેના પગલે હવે ચૂંટણી જંગમાં ૬૩ ઉમેદવારો મેદાને રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે ફોર્મ પરત ખેંચવાના આવતીકાલના દિવસે બપોર બાદ જ હરિફ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. અપક્ષોને બેસાડવા માટે પક્ષના નેતાઓ મેદાને ઉતર્યા છે તો સીટને બિનહરિફ કરવા માટે પણ તડજોડનું રાજકારણ પરાકાષ્ટાએ છે.

મગોડીમાં આપ તો છાલા, ધણપ, પ્રાંતિયા, શાહપુર, શિહોલી, ઉવારસદમાં અપક્ષ

ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮ બેઠકો માટે કુલ ૮૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતો ત્યારે મોટાભાગની બેઠકોમાં ભાજપ-કોંગ્રેસની સીધી જંગ છેડાઇ ગઇ છે. તો સાત બેઠકોમાં અપક્ષ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ દાવેદારી હજુ મક્કમ છે.મગોડી બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે આ ઉપરાંત છાલા, ધણપ, પ્રાંતિયા, શાહપુર, શિલોહીમોટી તથા ઉવારસદ બેઠકમાં એક-એક અપક્ષ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે કેટલા અપક્ષો ફોર્મ પરત ખેંચે છે તે તો જોવુ જ રહ્યું.

૨૧ બેઠકો ઉપર હાલની સ્થિતિએ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી ૨૮ બેઠકો ઉપર યોજાઇ રહી છે.જે પૈકી આજે ફોર્મ ચકાસણીના દિવસને અંતે સાત સીટ ઉપર અપક્ષ-આપના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની ૨૧ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હાલની સ્થિતિએ જોવા મળી રહ્યો છે. જો કે, આવતીકાલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધી ભાજપ બે બેઠક બિનહરિફ કરવા માટે મથી રહ્યું છે. તો બીજીબાજુ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ભાજપના રડારમાંથી દૂર રાખીને તેને બિનહરિફ થતા અટકાવવા ડિફેન્સીવ રાજનીતિ રમી રહ્યું છે. 

Tags :
GandhinagarTaluka-Panchayat-elections

Google News
Google News