કીડીને કણ નહીં પણ મણ! ભાવનગરના ત્રંબક ગામે 310 મણનું કીડીયારું તૈયાર કરાયું, 15 વર્ષથી ચાલે છે અનોખું સેવાકાર્ય

ત્રંબક ગામ ખાતે કીડીઓ માટે ૩૧૦ મણ કીડીયારું તૈયાર કરાયું

છેલ્લા ૧૫ વર્ષથી કીડીયારું પુરવાની આ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે, ત્રંબક ગામની બહેનાને કીડીયારું તૈયાર કરતા ૧૫ દિવસ લાગ્યા

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
કીડીને કણ નહીં પણ મણ! ભાવનગરના ત્રંબક ગામે 310 મણનું કીડીયારું તૈયાર કરાયું, 15 વર્ષથી ચાલે છે અનોખું સેવાકાર્ય 1 - image


Bhavnagar News : આપણાં શાસ્ત્રોમાં કીડીયારું પુરવાનો અનેરો મહિમા રહેલો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧૫ વર્ષથી કોઈ પણ સ્વાર્થ વગર નાના જીવ માટે અનોખો સેવાયજ્ઞા ચાલી રહ્યો છે. કીડીઓ ખાઈ શકે તે માટે માળનાથ નજીક આવેલા ત્રંબક ગામ ખાતે ગામની બહેનો દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ૩૧૦ મણ કીડીયારું તૈયાર કરાયું છે. આ ૩૧૦ મણ કીડીયારું આગામી દિવસોમાં માળનાથના ડુંગરો પર પુરવામાં આવશે.

કીડીને કણ અને હાથીને મણ કહેવતથી વિપરિત કીડીને મણ અને હાથીને પણ મણ તેવો સેવાયજ્ઞા ભાવનગર જિલ્લામાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહ્યો છે. મુળ તરપાળાના અને હાલ ભાવનગરમાં સ્થાયી થયેલા વિનુભાઈ ભીમાણી તેમના માતાની કીડીયારું પુરવાની નિયમિતતાથી પ્રેરાઈને છેલ્લા ૧૫ વર્ષથી કીડીઓ ખાઈ શકે તે માટે કીડીયારું બનાવી અને કીડીયારું પુરવાનો સેવાયજ્ઞા ચલાવી રહ્યાં છે. શરુઆત ૧૦ મણ કીડીયારુંથી કરી હતી પરંતુ આજે ભાવનગર ડાયમંડ માર્કેટના સહયોગથી ૩૧૦ મણ કીડીયારું તૈયાર કરાયું છે. શરૂઆતમાં અલગ-અલગ જગ્યાએ તેમના દ્વારા કીડીયારું પુરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. પરંતુ છેલ્લા ૭ વર્ષથી ઘોઘા તાલુકાના માળનાથના ડુંગર નજીક આવેલા ત્રંબક ગામમાં આવેલી બાપા સીતારામની મઢુલી ખાતે ગામમાં સારી ગુણવત્તાના ઘઉં, ગોળ અને દેશી ઘી જેવી સામગ્રી એકઠી કરી કીડીયારું બનાવવામાં આવે છે.

કીડીને કણ નહીં પણ મણ! ભાવનગરના ત્રંબક ગામે 310 મણનું કીડીયારું તૈયાર કરાયું, 15 વર્ષથી ચાલે છે અનોખું સેવાકાર્ય 2 - image

ગયા વર્ષે ૨૬૨ મણ કીડીયારું તૈયાર કરાયું હતું. આ વર્ષે ૪૭ મણ વધારે એટલે કે ૩૧૦ મણ કીડીયારું તૈયાર કરાયું છે. જેના માટે ૨૦૦ મણ ઘઉં, ૧૦૦ મણ ગોળ અને ૨૦૦ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કિડીયારું બનાવવામાં સૌથી મોટો સહયોગ ત્રંબક ગામની બહેનોનો રહ્યો છે. જેમણે છેલ્લા ૧૫ દિવસમાં આ કિડીયારું તૈયાર કર્યું છે. આ કીડીયારું માળનાથના ડુંગરોમાં પુરવામાં આવશે અને બાકીનું કીડીયારું ૫ હજાર નંગ શ્રીફળમાં ભરીને માળનાથના ડુંગરોમાં મુકવામાં આવશે.

કીડીને કણ નહીં પણ મણ! ભાવનગરના ત્રંબક ગામે 310 મણનું કીડીયારું તૈયાર કરાયું, 15 વર્ષથી ચાલે છે અનોખું સેવાકાર્ય 3 - image


Google NewsGoogle News