થાન નગરપાલિકાના 28 બેઠક માટે 6035 ટકા મતદાન
- ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ : 18મી ફેબુ્રઆરીએ મતગણતરી હાથ ધરાશે
- લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 36.19 ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 39.53 ટકા મતદાન : લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં 40.30 ટકા જ્યારે સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ૬૬.૯૮ ટકા મતદાન નોંધાયું
સુરેન્દ્રનગર,સાયલા : સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નં.૧ની એક-એક બેઠક પર અને લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી તેમજ સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરીની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૦.૩૫ ટકા મતદાન નોંધાયું હતું. લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૬.૧૯ ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૯.૫૩ ટકા મતદાન, લીંબડી તા.પંચાયતની ઉંટડીની પેટા ચૂંટણીમાં ૪૦.૩૦ ટકા જ્યારે સાયલા તા.પંચાયતની ધારાડુંગરીની પેટા ચૂંટણીમાં ૬૬.૯૮ ટકા મતદાન નોંધાયું હતું. થાન નગરપાલિકાના અમુક મતદાન મથકોમાં આચારસંહિતાનો ભંગ થયો હોય તેવા આક્ષેપો પ્રતિઆક્ષેપો બાદ એકંદરે શાંતિપર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું.
થાન નગરપાલિકાના ૩૩ મતદાન મથકો પર ૧૮૨ પોલીંગ તેમજ ૬૬ પોલીસ સ્ટાફની હાજરીમાં સવારના ૭-૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, બસપા અને અપક્ષ સહિત કુલ ૧૦૭ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા અને કુલ ૩૨,૯૧૬ મતદારો નોંધાયા હતા. જ્યારે લીંબડી નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી માટે ૦૫ બુથ પર મતદાન યોજાયું હતું જેમાં પોલીંગ અને પોલીસ સ્ટાફ મળી ૪૫ જેટલા લોકો ફરજમાં તૈનાત હતા. જ્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નં.૧ની પેટા ચૂંટણી માટે કુલ ૯ બુથ પર મતદાન યોજાયું હતું જેમાં પોલીંગ અને પોલીસ સ્ટાફ મળી કુલ ૮૦ જેટલા લોકોએ ફરજ બજાવી હતી. આ ઉપરાંત લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી બેઠકની પેટા ચૂંટણી ૮ બુથમાં યોજાઈ હતી જેમાં પોલીંગ અને પોલીસ સ્ટાફ મળી ૭૧ જેટલા વ્યક્તિઓ ફરજ પર તૈનાત રહ્યાં હતાં જ્યારે સાયલાની ધારાડુંગરી બેઠકની પેટા ચૂંટણીમાં ૬ બુથ પર મતદાન હાથધરાયું હતું અને પોલીંગ તેમજ પોલીસ સ્ટાફ મળી કુલ ૫૧ જેટલા વ્યક્તિઓ ફરજ પર તૈનાત રહ્યાં હતાં.
થાનમાં મતદાન મથકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું. થાન નગરપાલિકાની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે. થાન નગરપાલિકાની ગત વર્ષ ૨૦૧૮માં યોજાયેલ ચૂંટણીમાં કુલ ૬૩.૪૮ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જો કે થાન નગરપાલિકા સહિત પેટા ચૂંટણીઓમાં કોની જીત થાય છે અને કોની હાર થાય છે તે સમગ્ર ચીત્ર તા.૧૬ ફેબુ્રઆરીને મતગણતરી બાદ સ્પષ્ટ થશે.
સવારના તબક્કામાં ઓછું અને બપોર બાદ મતદાન વધ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સવારના સમયે મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ રવિવાર અને લગ્નની સિઝન હોવાથી મોટા ભાગના મતદાન મથકો સવારના સમયે ખાલી નજરે પડયા હતા પરંતુ બપોર બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃદ્ધો, દિવ્યાંગ તેમજ મોટી ઉંમરના મતદારો બપોરના સમયે તડકો હોવા છતાં મતદાન મથકો સુધી આવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડયા હતા. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વૃધ્ધ તેમજ દિવ્યાંગ મતદારોએ પણ લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
થાનમાં વોર્ડ નં.૬માં મતદાન અડધો કલાક માટે બંધ રહ્યું
થાન નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં વોર્ડ નં.૬ના બુથ નં.૫મા ઈવીએમમાં ખામી સર્જાતા અંદાજે ૩૦થી ૩૫ મિનિટ સુધી મતદાન રોકવામાં આવ્યું હતું. ઈવીએમ મશીનના બે નંબરના બટનમાં ખામી સર્જાતા ઉમેદવારોએ એકબીજા પર આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો જેને પગલે મામલતદાર, ચૂંટણી અધિકારી, સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ખામી સર્જાતા ઈવીએમને હટાવી નવું ઈવીએમ મશીન મુકવામાં આવ્યું હતું અને રાબેતા મુજબ મતદાન થોડી મીનીટો બાદ શરૂ થયું હતું.
મતદાન મથકમાંથી ભાજપની સ્લીપ મળી આવી
થાન નગરપાલિકાના અમુક વોર્ડમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો કોઈ પણ જાતના આઈડી કાર્ડ કે આધાર પુરાવા વગર મતદાન મથકની અંદર આંટા ફેરા મારતા હોવાનો અને ભાજપની સ્લીપો પણ મતદાન મથકોમાંથી મળી આવી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાન દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સામે ભાજપના આગેવાને આક્ષેપને નકારી કાઢયો હતો અને મતદારો પોતે જ ભાજપની સ્લીપ સાથે મતદાન મથકમાં મત આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. વોર્ડ નં.૧ના બુથ નં.બેના પોલિંગ ઓફિસર સામે પણ ગેરરીતીનો આક્ષેપ થતાં ડેપ્યુટી કલેકટરે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
સાયલા ધારા ડુંગળી પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
સાયલા તાલુકા પંચાયત-૫ ધારા ડુંગળી વિભાગની બિન અનામત સામાન્ય બેઠકની પેટા ચૂંટણી માટે ધારા ડુંગળી ,બ્રહ્મપુરી, સાપર, રતનપર, હડાળા,અને સૌરીભડા એમ કુલ છ ગામનું મતદાન આ બેઠક પર યોજાયું હતું. જેમાં ૬૬.૯૮ટકા ટકા મતદાન નોંધાયું હતું. બેઠક પર કુલ ૪૩૦૧ મતદાર નોંધાયા હતા. જેમાં ૧,૩૪૯ સ્ત્રી ઉમેદવાર અને ૧,૫૩૨ પુરૂષ ઉમેદવાર હતા. જેમાં ૬૬.૯૮ ટકા સાથે ૨૮૮૧ મતદારોએ મતદાન કર્યું હતું. મતદાનમાં સૌથી વધુ મતદાન ઘારા ડુંગળી ખાતે થયું હતું. જ્યાં ૧૨૦૪ કુલ મતદારની સામે ૭૭.૯૧ ટકા સાથે ૯૩૮ લોકોએ મતદાન કર્યું હતુંં જ્યારે સૌથી ઓછું મતદાન સાપર ખાતે નોંધાયું હતું જ્યો ૯૪૩ નોંધાયેલા મતદારની સામે ૫૧.૫૪ ટકા સાથે ૪૮૬ મતદારોએ મતદાન કર્યું હતું. દિવસ દરમિયાન શાંતિપૂર્ણ મહાલોમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થતા ઇવીએમ મશીન મામલતદાર કચેરી ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.