ધંધુકા પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે બળવાખોર સાથે 60 ઉમેદવાર મેદાનમાં
- 5 અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ્દ, એક ઉમેદવારી પાછી ખેંચાઈ
- તમામ સાત વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ, વોર્ડ નં.2, 3 અને 4 માં અપક્ષ ઉમેદવારો ચૂંટણી પરિણામમાં ખેલ પાડી શકે
ધંધુકા : ધંધુકા પાલિકાની ચૂંટણીમાં ભાજપના બે બળવાખોર સાથે ૬૦ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. આ ચૂંટણીમાં આમ તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ તમામ વોર્ડની બેઠકો પર સીધો ચૂંટણી જંગ જામશે. પરંતુ વોર્ડ નં.૨ અને ૩, ૪માં ચૂંટણી લડવા ઉભેલા ત્રણ અપક્ષ ઉમેદવારો ચૂંટણી પરિણામમાં ખેલ પાડે તો નવાઈ નહીં!
ધંધુકા નગરપાલિકાની આગામી ૧૬મી ફેબુ્રઆરીએ યોજાનારી ચૂંટણીના ઉમેદવારોનું ફાઈનલ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ ચકાસણીના દિવસે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ મળી ૬૬માંથી પાંચ અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ્દ થયા હતા. જ્યારે આજે મંગળવારે એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. જેથી સાત વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ૨૮-૨૮ અને વોર્ડ નં.૨માં અપક્ષના બે, વોર્ડ નં.૩ અને વોર્ડ નં.૪માં એક અપક્ષ ઉમેદવાર મળી કુલ ૬૦ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ત્રણ અપક્ષ ઉમેદવારોમાં ભાજપના બે બળવાખોર ઉમેદવારનો પણ સમાવેશ થયો છે.