Get The App

JEE એડવાન્સ પરીક્ષામાં દેશના ટોપ 100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 6 વિદ્યાર્થીઓ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
JEE એડવાન્સ પરીક્ષામાં દેશના ટોપ 100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 6 વિદ્યાર્થીઓ 1 - image


JEE Advance Exam Result 2024: દેશની વિવિધ આઈઆઈટીમાં પ્રવેશ માટે ગત 26મી મેના રોજ લેવાયેલી JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ કાલે જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં દેશના ટોપ 100 ઓલ ઈન્ડિયા રેન્કમાં ગુજરાતના છ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

રાજકોટની વિદ્યાર્થિની દ્વિજા પટેલ સાતમા રેન્ક સાથે દેશના ટોપ 10માં આવી છે અને ગર્લ્સ ટોપર બની છે. જ્યારે અમદાવાદના બે વિદ્યાર્થી દેશના ટોપ 100 રેન્કમાં આવ્યા છે. દેશના ટોપ 1000 રેન્કમાં આ વર્ષે ગુજરાતના 40થી વધુ અને અમદાવાદના 20થી વધુ વિદ્યાર્થી હોવાનો અંદાજ છે.

ગુજરાતમાંથી આ વર્ષે 11 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી 

દેશમાં 23 ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી આવેલી છે.જેમાં 17 હજારથી વધુ બેઠકો છે. જેમાં પ્રવેશ માટે JEE એડવાન્સ પરીક્ષા ગત 26મી મેના રોજ આઈઆઈટી મદ્રાસ દ્વારા લેવાઈ હતી. આ વર્ષે JEE મેઈન્સમાંથી 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હતા અને જેમાંથી 1.90 લાખથી વધુ વિદ્યાર્થીએ JEE એડવાન્સ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી આ વર્ષે વિદ્યાર્થીઓ વધતા 11 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. 

દેશના ટોપ 100 રેન્કમાં ગુજરાતના છ વિદ્યાર્થીઓએ બાજી મારી 

JEE એડવાન્સ પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પર્ફોર્મન્સ આ વર્ષે ઘણું સારું રહ્યુ છે અને ગુજરાતના છ વિદ્યાર્થીએ દેશના ટોપ 100 રેન્કમાં બાજી મારી છે. જેમાં ચાર વિદ્યાર્થીઓ રાજકોટના છે અને બે વિદ્યાર્થીઓ અમદાવાદના છે. રાજકોટના ચાર વિદ્યાર્થીઓમાં વિજા પટેલ 360 માંથી 332 સ્કોર સાથે સાતમા રેન્ક સાથે દેશના ટોપ 10માં આવી છે અને દેશની ગર્લ્સ ટોપર પણ બની છે. 

ગુજરાતના છ વિદ્યાર્થીઓમાં રાજકોટના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ 

આ ઉપરાંત અક્ષરઝાલાએ 317 સ્કોર સાથે 38મો રેન્ક મેળવ્યો છે અને અવધ હિન્ડોચાએ 312 સ્કોર સાથે 49મો તથા હર્ષલ કાનાણીએ 304 સ્કોર સાથે દેશમાં 81મો રેન્ક મેળવ્યો છે. આ ઉપરાંત અમદાવાદના મૃગાંક ગોયલે 69મો રેન્ક મેળવ્યો છે અને ફેનિલ પટેલે 302 સ્કોર સાથે દેશમાં 88મો રેન્ક મેળવયો છે. જ્યારે અમદાવાદના ઐશ્વર્ય વર્માએ ઓલ ઈન્ડિયા રેન્ક 472મો પરંતુ કેટેગરીમાં દેશમાં છઠ્ઠો રેન્ક મેળવ્યો છે.

ગુજરાતના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હોવાનો અંદાજ

ગુજરાતમાંથી આ વર્ષે JEE એડવાન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ વધવા સાથે ક્વોલિફાઈ થનારા વિદ્યાર્થી પણ વધ્યા છે. દેશમાં 48 હજારથી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે ત્યારે ગુજરાતના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા હોવાનો અંદાજ છે. 

હવે કાઉન્સેલિંગ પ્રક્રિયાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે

એડવાન્સ પરીક્ષાના પરિણામ બાદ હવે JEE એડવાન્સ પરિણામના આધારે આઈઆઈટી માટે અને JEE મેઈન પરીક્ષાના આધારે દેશની વિવિધ એનઆઈટી માટે કોમન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા જોસા (જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી દ્વારા) કરવામા આવશે. જે માટે કાઉન્સેલિંગ પ્રક્રિયાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન હવે શરૂ થશે અને ત્યારબાદ પાંચથી છ ઓનલાઈન પ્રવેશ રાઉન્ડ થશે.

JEE એડવાન્સ પરીક્ષામાં દેશના ટોપ 100માં રાજકોટના 4 સહિત ગુજરાતના 6 વિદ્યાર્થીઓ 2 - image


Google NewsGoogle News