Surat: બિલ્ડિંગ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 7 થયો, એક મહિલા સારવાર હેઠળ, સચિન GIDC વિસ્તારની ઘટના
Building Collapse in Surat: સુરતમાં શનિવાર (6 જુલાઈ)એ સાંજે એક ગંભીર દુર્ઘટના બની હતી. શહેરમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ એક મહિલા સારવાર હેઠળ છે. જ્યારે કેટલાક લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ફાયર વિભાગ, પોલીસ અને તંત્રની ટીમ ઘટનાસ્થળે છે.
ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી
સુરતના સચિન GIDC વિસ્તારમાં શનિવારે (06 જુલાઈ) સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યૂ શરુ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે.
મૃતદેહોની ઓળખ કરવામાં આવી
બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કઢાયેલા મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. જેમાં હીરામણ કેવટ, અભિષેક કેવટ, શિવપૂજન કેવટ, પરવેશ કેવટ, સાહિલ ચમાર, બ્રિજેશ ગૌંડ અને લાલજી કેવટનું મૃત્યુ નીપજ્યું છે. આ બિલ્ડિંગ અંદાજે 2016માં બન્યું હતું. એવી પણ વાત સામે આવી રહી છે કે બિલ્ડિંગ ગેરકાયદે હતું. જોકે આ વિસ્તારમાં હાલ આ ઘટનાને પગલે બાંધકામ ચાલી રહ્યા છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ પોલીસ આ દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. બિલ્ડિંગમાં 15 જેટલા લોકો રહેતા હોવાની માહિતી મળી છે. જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તે જર્જરીત હોવાનું કહેવાય રહ્યું છે.
આ પણ વાંચો : 'કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું', રાહુલ ગાંધીનો અમદાવાદમાં હૂંકાર