Get The App

વડોદરાના કમાટીબાગ ઝૂમાં 6 સાબર હરણનું એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આગમન

Updated: Feb 11th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરાના કમાટીબાગ ઝૂમાં 6 સાબર હરણનું એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આગમન 1 - image


Vadodara Kamati Baug Zoo : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગના ઝૂમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કેવડિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાંથી છ સાબર હરણ લાવવામાં આવ્યા છે. જેમાં ચાર નર અને બે માદા છે. ગઈકાલે વડોદરાના ઝૂ નો સ્ટાફ કેવડીયા આ પ્રાણીઓને લેવા માટે ગયો હતો. જે સહી સલામત આવી જતા આજે સીધા પિંજરામાં લોકોને જોવા માટે મૂકી દેવાયા છે. વડોદરા ઝૂ ના અધિકારી ડો.પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ બનાવ્યા હતા. જેમાં આ એક કેવડિયાનો એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પણ હતો. 

વડોદરાથી કેવડિયા ગોલ્ડન પેજન્ટ (મરઘા કુળનું દેખાવે સુંદર પીંછાવાળું પક્ષી) ની જોડી, સફેદ મોરની માદા સહિતના પક્ષીઓ આપ્યા છે. વડોદરાથી કેવડિયા નજીકમાં છે, ત્યાંના અને અહીંના વાતાવરણમાં કોઈ ફરક નથી. સાબર હરણ પણ ત્યાં પિંજરામાં મુકેલા જ હતા. અહીં વડોદરા લવાયા ત્યારે દોડીને સીધા પિંજરામાં પહોંચી ગયા હતા. સાબર હરણને વર્ષાવન અને સુકા પાનખરના જંગલમાં રહેવાનું ગમે છે. ગીરનું જંગલ અને દક્ષિણ ગુજરાતનું જંગલનું વાતાવરણ તેને અનુકૂળ આવે છે. જેને કાદવ કિચડવાળું તળાવ પણ ગમે છે. અહીં પિંજરામાં કાદવ કિચડવાળું તળાવ પણ બનાવ્યું છે. સાબર હરણ ચિત્તલ જેવું દેખાવે સુંદર નથી હોતું, પરંતુ સહેલાણીઓમાં તેનું આકર્ષણ હોય છે. અગાઉ અહીંના પ્રાણીસંગ્રહાલયમાં સાબર હરણ હતા, પરંતુ વર્ષ 2021 માં ખરવા મોવાસા નામના રોગથી 13 સાબર હરણના મરણ થયા હતા. ખરવા મોવાસા રોગ ખરી વાળા પશુધનમાં જોવા મળે છે. જે ખોરાક, પાણી અને પશુઓની લાળથી ફેલાય છે. એ વખતે એક સાબરનું બચ્ચું બચી ગયું હતું, જે હજી પણ છે.

Tags :