રાજકોટ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા 6 ઈન્ફલુએન્સરની ધરપકડ
Rajkot News: ટેક્નોલોજીના યુગમાં લોકો વિવિધ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરે છે. આ દરમિયાન અનેક એવા સોફ્ટવેર અને એપ્લિકેશન છે જેના દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. સાયબર ક્રાઈમમાં આવી અનેક ઘટનાને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, ત્યારે રાજકોટમાં ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનાર 6 સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની પોલીસે ધરપકડ કરી છે.
ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા પર પોલીસની નજર
રાજકોટમાં યુવાધનને ઓનલાઇન ગેમ્બલિંગના રવાડે ચઢાવતા વધુ 6 ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા લોકો સામે લાલ આંખ કરીને વધુ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રમોશન કરીને મહિને લાખો રૂપિયા કમાતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
DCPએ જણાવ્યું હતું કે, 'સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડિયા સેલ વિવિધ સોશિયલ મીડિયા માધ્યમ પર ઓનલાઈન ગેમ્બલિંગનું પ્રમોશન કરનારા પર નજર રાખે છે. જેમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરતા છ ઈન્ફ્લુએન્સરો અમારી ટીમને જોવા મળ્યા હતા. જેમાં લિંક પોસ્ટ કરવાના ઈન્ફલુએન્સરને 7000 રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું હતું. આ પછી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા બંને બેઈન્ફ્લુએન્સરો વિરૂદ્ધમાં જુગાર ધારાની કલમ 12-એ મુજબ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.'