તાલાલાની ખાંડ ફેક્ટરીના ચોરી કેસમાં ભાજપના નગરસેવક સહિત 6ની ધરપકડ
બંધ ફેક્ટરીના સ્ટોર રૂમમાંથી 8.93 લાખની મતાની ચોરી થઇ હતી 125 વીઘામાં પથરાયેલી ખાંડ ફેક્ટરીના સ્ટોરરૂમનું રખોપું કરતાં પાલીકાના સભ્યે જ હાથ માર્યો હોવાનું ખુલ્યું : 4 આરોપીનાં રીમાન્ડ મંજૂર
તાલાલા ગીર, : તાલાલાની બંધ પડેલ ફેક્ટરી ના સ્ટોર વિભાગમાં રાખેલ કિંમતી 8.93 લાખની ધાતુ ની વસ્તુઓની થયેલ ચોરી અંગે પોલીસે તાલાલા નગરપાલિકાના વોર્ડ નં. 3 ના ભાજપના સભ્ય સહિત છ શખ્સોની ધરપકડ કરતા તાલાલા શહેરમાં ભારે ચકચાર ફેલાયેલ છે. ઝડપાયેલા 6પૈકી 4 આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.
તાલાલા શહેરમાં સાસણ રોડ ઉપર 125 વિઘા માં પથરાયેલ તાલાલા ખાંડ ફેક્ટરી 2012 થી બંધ છે.બંધ ફેક્ટરી નું રખોપું કરવા સિક્યુરિટી સ્ટાફ રાખેલ છે.ગત જેમાં તા.4-3-2024ના રોજ સ્ટોર વિભાગમાં સમારકામ કરવામાં આવેલ આ દરમિયાન ફેક્ટરીના મેનેજમેન્ટ ને સ્ટોર રૂમમાંથી કીંમતી ધાતુના સામાનની ચોરી થયાનું ધ્યાને આવતા ચીજ વસ્તુઓની ગણતરી કરેલ. જેમાં કુલ કિ.રૂ. 8,93,609નો કિંમતી સામાન ગુમ હતો.સૌપ્રથમ સ્ટોર રૂમનું રખોપું કરતા ચોકીદાર અને નગરપાલિકાના ભાજપના વોર્ડ નં 3 ના સભ્ય પ્રકાશ જીવા રામની પૂછપરછ કરતા તેવો જવાબ આપવા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ત્યારબાદ ખાંડ ફેક્ટરીના ઇન્ચાર્જ એમ.ડી ચીનાભાઈ કામળિયાએ ફેક્ટરીમાં થયેલ ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઇ આકાશસિંહ સિંધવે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમ્યાન આ ચોરી અંગે ભાજપના નગરપાલિકાના સભ્ય અને સંસ્થામાં ચોકીદાર તરીકે નોકરી કરતો પ્રકાશ જીવા રામ (ઉ.વ. 40) તથા કિરણ ગોવિંદ નંદાણીયા (ઉ.વ. 35),ભોજા રાણા કરમટા (ઉ.વ. 28), ઈલ્યાસ યુસુફ ઠાકરીયા ઉર્ફે.ઈલુ (ઉ.વ. 29), ઈરફાન ગફાર કાસમાણી (ઉ.વ. 27),નદીમ હારૂન ભાદરકા (ઉ.વ. 34 રે.બધા તાલાલા)ની ધરપકડ કરી છે. ચોરીમાં પકડાયેલ પાલિકાના સભ્ય સાથે ચાર શખ્સો કેટલા સમયથી ચોરી કરતા હતા હતા તે બાબતે તપાસ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે પકડાયેલ પ્રકાશ રામ તથા કિરણ નંદાણીયા,ભોજા કરમટા તથા ઈલ્યાસ ઠાકરીયા ઉર્ફે.ઈલુ સહિત ચાર આરોપીને તાલાલા કોર્ટમાં રજૂ કર્યા હતા.કોર્ટ ચારેય આરોપીનાં સોમવાર બપોર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.