સુરતમાં રવિવારે બપોર સુધીમાં ફાયર એન.ઓ.સી. વિના ચાલતા 6 ગેમ ઝોન બંધ કરાવાયા
શનિવારે સાંજે રાજકોટના ગેમ ઝોન માં બનેલી ગોઝારી ઘટના બાદ સુરત પાલિકા તંત્ર પણ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. રાજકોટની દુર્ઘટના બાદ સુરત પાલિકાએ રવિવારે બપોર સુધીમાં રાંદેર અને અઠવા ઝોનમાં ચાલતા છ ગેમ ઝોન બંધ કરાવી દીધા હતા. સુરતમાં કેટલા ગેમ ઝોન મોટા શેડ ચાલી રહ્યાં છે અને તેઓ પાસે ફાયરની એન.ઓ.સી. પણ નથી ઘણાં સમયથી આવા ગેમ ઝોન ચાલતા હતા પરંતુ પાલિકા તંત્રએ કોઈ કામગીરી કરી ન હોવાથી પાલિકાની કામગીરી સામે પણ શંકા થઈ રહી છે.
રાજકોટના ગેમ ઝોનમાં ગઈકાલે લાગેલી આગમાં 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારબાદ રાજ્યના તમામ ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં પણ રાજકોટ જેવી ગંભીર બેદરકારી બહાર આવી છે. સુરતમાં પણ રાજકોટની જે ફાયર એન.ઓ.સી. વિના અનેક ગેમ ઝોન ધમધમી રહ્યા છે. તેમાંથી આજે સુરત પાલિકાએ રાંદેર અને અઠવા ઝોનમાં ચાલતા 6 ગેમ ઝોન બંધ કરાવી દીધા છે.
સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે મોટાભાગના ગેમ ઝોન પતરાના મોટા શેડમાં બનાવવામાં આવ્યા હતા.સુરતમાં તક્ષશિલા દુર્ઘટના બાદ પાલિકા ફાયર ની કામગીરી સઘન બની હતી પરંતુ ત્યાર બાદ કામગીરી માં ઢીલાસ જોવા મળી રહી છે. રાજકોટ દુર્ઘટના બાદ શહેરમાં અનેક ટેમ્પરરી સ્ટ્રકચર છે તેમાં ગેમ ઝોન ચાલી રહ્યાં છે પાલિકા ટેમ્પરરી સ્ટ્રકચરની મંજૂરી આપે છે પરંતુ ત્યાર બાદ તેમાં ક્યા પ્રકારની પ્રવૃત્તિ થાય છે તે જોવાની તસ્દી લેતા નથી. જેના કારણે રાજકોટ જેવી દુર્ઘટના થવાની ભીતી છે. સુરતમાં ફાયરની એન.ઓ.સી. વિના ગેમ ઝોન ચાલતા હતા તેને હાલ બંધ કરાવ્યા છે પરંતુ આવી જોખમી અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કોઈ પગલાં હજી સુધી આવ્યા નથી.