Get The App

પાંડેસરા તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલમાં યુવાનનું ગળું કાપી હત્યામાં છ પકડાયા: પ્રેમિકાના પતિનો કાંટો કાઢવા પ્રેમીએ મિત્રને રૂ. 50 હજારમાં સોપારી આપી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
પાંડેસરા તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલમાં યુવાનનું ગળું કાપી હત્યામાં છ પકડાયા: પ્રેમિકાના પતિનો કાંટો કાઢવા પ્રેમીએ મિત્રને રૂ. 50 હજારમાં સોપારી આપી 1 - image



- પ્રેમિકાના પતિનો કાંટો કાઢવા પ્રેમીએ મિત્રને રૂ. 50 હજારમાં સોપારી આપીઃ મિત્રએ મિત્રતા થકી વિશ્વાસ કેળવ્યા બાદ મોતને ઘાત ઉતારવા અન્ય ચારને રૂ. 40 હજારમાં સોપારી આપી
- ચાર પૈકી એકે મૃતક સાથે મિત્રતા કેળવી ચા-નાસ્તો અને દારૂની મિજબાની માણવાનું શરૂ કર્યુઃ હત્યા પૂર્વે દારૂની મિજબાની માણવાના બહાને બોલાવી ગળું કાપી નાંખ્યું


સુરત

પાંડેસરાના તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ઝાડીમાંથી મધ્યપ્રદેશના યુવાનની ગળું કાપી હત્યા થયેલી લાશ મળી આવવાની ઘટનામાં ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલવાની સાથે પોલીસે મૃતકની પત્નીના પ્રેમી સહિત 6 ની ધરપકડ કરી છે. પત્ની સાથેના અનૈતિક સંબંધની જાણ થતા ઠપકો આપનાર પતિને પ્રેમીએ રૂ. 50 હજારમાં સોપારી આપી દારૂની મિજબાની માણવાના બહાને બોલાવી ગળું કાપી કરપીણ હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પાંડેસરા-બમરોલી રોડના તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના પ્લોટ નં. 1 ની પાછળ ઝાડીમાંથી પુરણ ગુડ્ડુ શાહુ (ઉ.વ. 35 રહે. મણીનગર, પાંડેસરા અને મૂળ સતના, મધ્યપ્રદેશ) ની અત્યંત ક્રુરતા પૂર્વક ગળું કાપી હત્યા થયેલી લાશ મળી આવી હતી. પોલીસને ઘટના સ્થળેથી એઠી પેપર ડીશ, ચાર ખાલી ગ્લાસ, ઠંડા પીણાની ગ્રીન કલરની ચાર નાની બોટલ તથા પાણીની બોટલ વિગેરે મળી આવ્યું હતું. જેથી મૃતકની અંગત અદાવતમાં પરિચીત દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકાના આધારે પીઆઇ એન. કે, કામળીયા અને તેમની ટીમે તપાસ કેન્દ્રિત કરી હતી. જે અંતર્ગત ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે કાપડના કારખાનામાં બોબીન ભરવાનું કામ કરતા રાકેશ રામખિલાવન કેવટ (ઉ.વ. 30 રહે. નેમનગર, પાંડેસરા અને મૂળ બેંદાજોહારપુર, તા. તીનવારી, બાંદા, યુ.પી) ની ધરપકડ કરી હતી.

પાંડેસરા તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલમાં યુવાનનું ગળું કાપી હત્યામાં છ પકડાયા: પ્રેમિકાના પતિનો કાંટો કાઢવા પ્રેમીએ મિત્રને રૂ. 50 હજારમાં સોપારી આપી 2 - image

ત્યાર બાદ તેની પૂછપરછના આધારે સંચા મશીનમાં કામ કરતા સાગર ભગવાન ખંડવાલ (ઉ.વ. 24 રહે. નેમનગર, પાંડેસરા અને મૂળ. ઓસીંગી, તા. કબીસુજ્જનગર, ગંજામ, ઓડિશા), સંતોષ ભાસ્કર મહંતી (ઉ.વ. 19 રહે. રાધાક્રિષ્ના નગર આવાસ, ઉધના અને મૂળ ચીકુડા, તા. પુરૂષોત્તમપુર, જી. ગંજામ, ઓડિશા) અને જીતેન્દ્ર ઉર્ફે જીતેન મોજીલાલ રૂપાલે (ઉ.વ. 22 રહે. નેમનગર, પાંડેસરા અને મૂળ. બુલપલ, તા. છેગાવ, જી. ખંડવા, મધ્યપ્રદેશ), રીક્ષા ચાલક હરિશંકર રામસામુદ મૌર્યા (ઉ.વ. 36 રહે. નેમનગર, પાંડેસરા અને મૂળ. બૈરમા, તા. મહારાજગંજ, જોનપુર, યુ.પી) અને ફર્નીચરનું કામ કરતા અજય અશોક મૌર્યા (ઉ.વ. 27 રહે. તૃપ્તિનગર, મિલન પોઇન્ટ પાસે, પાંડેસરા અને મૂળ. શીડે, તા. બદલાપુર, જોનપુર, યુ.પી) ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પુરણની પત્ની સંગીતા અને જૂના પાડોશી અજય વચ્ચે અનૈતિક સંબંધ હતા. જેની જાણ થતા પુરણે ઠપકો આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. બીજી તરફ પુરણ અને સંગીતા વચ્ચે પણ રોજબરોજ ઝઘડા શરૂ થઇ જતા સંગીતા વતન ખાતે પિયરમાં રહેવા ચાલી ગઇ હતી. જેથી અકળાયેલા અજયે રૂ. 50 હજારમાં તેના અંગત મિત્ર હરિશંકરને પુરણની હત્યાની સોપારી આપી કાંટો કાઢી નાંખ્યો હતો.

અનૈતિક સબંધોમાં લોહીયાળ ખેલમાં સોપારી લેનારે પણ સોપારી આપી

પ્રેમસંબંધની જાણ થતા પ્રેમિકા સંગીતાના પતિ પુરણ શાહુનો કાંટો કાઢવા અજય મૌર્યાએ તેના પડોશી મિત્ર હરિશંકર મૌર્યાને રૂ. 50 હજારમાં સોપારી આપી રૂ. 30 હજાર એડવાન્સ આપ્યા હતા અને બાકીના હત્યા બાદ આપવાનું નક્કી કર્યુ હતું. હરિશંકરે રૂ. 40 હજારમાં રાકેશ કેવટ, સાગર ખંડવાલ, સંતોષ મહંતી અને જીતેન રૂપાલેને 20 દિવસ અગાઉ સોપારી આપી પુરણ સાથે મિત્રતા કેળવ્યા બાદ હત્યા કરવાનું કહ્યું હતું. જેથી સાગરે પુરણ સાથે મિત્રતા કેળવી ચા-નાસ્તો કરવા તથા દારૂની મિજબાની માણવાનું શરૂ કર્યુ હતું. ત્યાર બાદ મંગળવારે રાતે પણ જરીના કારખાને નોકરી જવા નીકળેલા પુરણને દારૂની મિજબાની માણવાના બહાને તિરૂપતી ઇન્ડસ્ટ્રીયલમાં લઇ જઇ જીતેને ગળું કાપી નાંખ્યું હતું જયારે અન્યએ ચપ્પુના ઘા માર્યા હતા.


Google NewsGoogle News