વિશ્વામિત્રી પ્રોજેકટની કામગીરીમાં ૪૩ દિવસમાં ૬.૪૪ લાખ ઘનમીટર માટી બહાર કાઢી
આશરે ૪૦ ટકા કામ પુરું થયું ઃ વધુ મશીનો કામે લગાડી ૧૦૦ દિવસમાં કામ પૂર્ણ કરાશે
વડોદરા, તા.23 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાંથી પસાર થતી ૨૪.૭ કિમી લાંબી વિશ્વામિત્રી નદીને પહોળી અને ઉંડી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. છેલ્લા ૪૩ દિવસથી ચાલતી આ કામગીરી દરમિયાન ૬.૪૪ લાખ ઘન મીટર માટી બહાર કાઢવામાં આવી છે.
વિશ્વામિત્રી પ્રોજેકટની કામગીરી ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવાની છે. હવે રહેલા બાકી દિવસોમાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વધુ મશીનરી કામે લગાડવામાં આવશે. હોળીના તહેવારો દરમિયાન કામગીરી ધીમી પડતા તેના લીધે માટી બહાર કાઢવાનો બેક લોગ વધી ગયો છે.
જે આવનાર દિવસોમાં પુર્ણ કરી કાર્ય ઝડપથી આટોપવામાં આવશે. અત્યાર સુધીમાં આશરે ૪૦ ટકા કાર્ય પુર્ણ થયું છે. હાલ જેસીબી, પોકલેન ડમ્પર સહિત ૪૦૦ થી વધુ મશીનરી કામે લાગી છે, અને હજુ વધુ ૧૦૦ મશીનરી સામે લગાડવામાં આવશે. આખી કામગીરી ૧૬ પેકેજમાં ચાર ભાગમાં કરવાની છે. હાલ નદીની ડાબી બાજુ કામગીરી ચાલી રહી છે.
ગયા ચોમાસા દરમિયાન ૧૨.૫ ઇંચ વરસાદમાં પુર આવી ગયું હતું, પરંતુ આ વખતે વિશ્વામિત્રીની જે કામગીરી કરી છે તેના કારણે નદીની વહન ક્ષમતા ૧૧૫૦ કયુમેકસ થશે. જેના લીધે ૧૫ થી ૧૬ ઇંચ જેટલો વરસાદ પડે તો પણ પૂર આવવાની શકયતા ઓછી રહેશે, તેમ તંત્રનું કહેવું છે.