કોર્પોેરેશનના નિવૃત્ત કર્મચારીના ઘરમાંથી ૬.૨૯ લાખની ચોરી
પતિ - પત્ની ઘરને તાળા મારી અમદાવાદ રહેતી દીકરીના ઘરે ગયા હતા
વડોદરા,માંજલપુરની વૈકુંઠધામ સોસાયટીના બંધ મકાનના તાળા તોડી ચોર ૧૮ તોલા વજનના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા ૧૫ હજાર મળી કુલ ૬.૨૯ લાખની મતા ચોરી ગઇ હતી.
માંજલપુરની જય વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા રમેશભાઇ જેઠાભાઇ મકવાણા કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા હતા. ગત તા. ૧ લી એ સાંજે તેઓ મકાનને તાળું મારીને પત્ની સાથે અમદાવાદ દીકરીના ઘરે ગયા હતા. આજે વહેલી સવારે પાડોશી મધુબેન પ્રજાપતિએ તેઓને કોલ કરીને જણાવ્યું હતું કે, તમારા ઘરનો ગેટ અને દરવાજા ખુલ્લા છે. જેથી, રમેશભાઇ તરત વડોદરા દોડી આવ્યા હતા. તેમના ઘરના મુખ્ય દરવાજા તથા જાળીના નકુચા તૂટેલી હાલતમાં હતા. ઘરમાં જઇને જોતા તિજોરી પણ ખુલ્લી હતી. સામાન વેરવિખેર હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના ૧૮ તોલા વજનના દાગીના, ચાંદીના દાગીના તેમજ રોકડા ૧૫ હજાર મળી કુલ રૃપિયા ૬.૨૯ લાખની મતા લઇ ગઇ હતી. માંજલપુર પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.